Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

બજારમાં તેજી : સેંસેક્સમાં ૩૨૭ પોઈન્ટનો ઉછાળો

રિઝર્વ બેન્કે રેપો રેટ યથાવત રાખતા બજાર ઊંચકાયું : બેન્કિંગ શેરોમાં જોરદાર ઊછાળો, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ અને નેસ્લે ઈન્ડિયાના શેરના ભાવ ગગડી ગયા

મુંબઈ, તા. ૯ : નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને યથાવત રાખવાની રિઝર્વ બેંકની ઘોષણા વચ્ચે શુક્રવારે બીએસઈ સેન્સેક્સ નાણાકીય કંપનીઓના શેરમાં લેવાલી પર ૩૨૭ પોઇન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સને લાભ પહોંચાડનારો આ સતત સાતમો દિવસ છે. રિઝર્વ બેંકે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ લવચીક અભિગમ અપનાવવા જણાવ્યું છે. આ પછી, બજારમાં ખરીદીને કારણે શેરબજારો મજબૂત વલણ સાથે બંધ થયા છે. નાણાંકીય નીતિ સમિતિની બેઠકના પરિણામોની ઘોષણા કરતાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટ ૪ ટકા પર જળવાઈ રહેશે. આ જ રિવર્સ રેપો રેટ ૩..૩૫ ટકા અને સીમાંત સ્થાયી સુવિધા ૪.૨૫ ટકા જાળવી રાખવામાં આવ્યો છે.

             બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૨૬.૮૨ પોઇન્ટ એટલે કે ૦.૮૧ ટકા વધીને ૪૦,૫૦૯.૪૯ ના સ્તર પર બંધ થયો છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૭૯.૬૦ અંક અથવા ૦.૬૭ ટકાના વધારા સાથે ૧૧,૯૧૪.૨૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં આઈસીઆઈસીઆઈ બેક્ન સૌથી વધુ ઊંચકાયો હતો. તેનો શેર ત્રણ ટકા સુધી ઊંચકાયોહતો. બીજી તરફ, એક્સિસ બેક્ન, એચડીએફસી, એચડીએફસી બેક્ન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એલએન્ડટી, ઓએનજીસી અને ઇન્ફોસિસના શેરમાં વધારો જોવા મળ્યો છે. બીજી તરફ સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને હિન્દુસ્તાન યુનિલિવર સૌથી નીચા હતા. બીએસઈના બેંકૈક્સ અને ફાઇનાન્સિયલ ગ્રુપના સૂચકાંકોમાં ૨.૬૪ ટકાનો સુધારો હતો, જ્યારે રિયલ્ટી અને ઓટો સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, શાંઘાઇ બજારો સકારાત્મક મૂડમાં બંધ રહ્યા હતા. હોંગકોંગ અને ટોક્યોના બજારોમાં ઘટાડો થયો છે. શેર બજારોમાં સકારાત્મક વલણ સાથે યુરોપમાં વેપાર શરૂ થયો. આંતરરાષ્ટ્રીય સ્તરે, બ્રેન્ટ ક્રૂડ ૦.૮૫ ટકા વધવા સાથે ૪૨.૯૭ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે. વિદેશી ચલણ વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૮ પૈસા વધીને ૭૩.૧૫ ની સપાટીએ બંધ રહ્યો છે.

(9:00 pm IST)