Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રાજકોટમાં કોરોનાનો કુલ આંક ૭ હજારને પારઃ આજે બપોરે ૩૩ કેસ

કુલ કેસ ૭૦૪૦ થયાઃ આજ દિન સુધીમાં કુલ ૫૮૮૭ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૮૪.૦૧ ટકા એ પહોંચ્યો : લાભદિપ સોસાયટી-ગાંધીગ્રામ, મયુર નગર, ચુનારાવાડ- ભાવનગર રોડ, સદગુરૂ ટાવર, જયંતિનગર- કાલાવડ રોડ, ગોવર્ધન સોસાયટી-અમીનમાર્ગ, શ્રધ્ધાનગર સોસાયટી-મવડી રોડ, શિવનગર ગોંડલ રોડ, પૂજારા પ્લોટ-ભકિતનગર, અયોધ્યા સોસાયટી- હરી ધવા મેઇન રોડ સહિતનાં વિસ્તારો નવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેરઃ હાલ ૭૦ કાર્યરત

રાજકોટ,તા.૯: શહેરમાં સતત ત્રણ દિવસથી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે  પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૩ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૦૪૦  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૫૮૮૭  લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૪.૦૧ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૦૨૦  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૮  ટકા થયો  હતો. જયારે ૧૦૩ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચથી આજ દિન સુધીમાં ૨,૬૩,૧૮૧લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૦૪૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૬  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ  લાભદિપ સોસાયટી-ગાંધીગ્રામ, મયુર નગર, ચુનારાવાડ- ભાવનગર રોડ, સદગુરૂ ટાવર, જયંતિનગર- કાલાવડ રોડ, ગોવર્ધન સોસાયટી-અમીનમાર્ગ, શ્રધ્ધાનગર સોસાયટી-મવડી રોડ, શિવનગર ગોંડલ રોડ, પૂજારા પ્લોટ-ભકિતનગર, અયોધ્યા સોસાયટી- હરી ધવા મેઇન રોડ સહિતના વિસ્તારોમાં ૭૦ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૩૮ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૪ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૮,૮૬૧ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૪ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે તોપખાના, અંબાજી કડવા પ્લોટ, બેડીનાકા, ગાયત્રી પાર્ક, રામનગર, માલધારી ફાટક  સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૫૯૪ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:48 pm IST)