Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

એક અભ્યાસનું તારણ

બ્રિટનમાં શાળાઓ બંધ રહેવાના કારણે થયા વધારે મોત

લંડન તા. ૯: કોરોના વાયરસ મહામારી દરમ્યાન શાળાઓ ચાલુ રાખવાના બદલે બંધ રાખવાના કારણે લાંબા ગાળે વધારે મોત થઇ શકે છે. ગુરૂવારે બહાર પડાયેલ એક નવા વિશ્લેષણમાં એવો દાવો કરવામાં આવ્યો છે. એડિનબર્ગ યુનિવર્સિટીના રિસર્ચરો દ્વારા કરવામાં આવેલ આ રિસર્ચમાં એવો ખુલાસો પણ થયો છે કે સામાજીક અંતર (સોશિયલ ડીસ્ટન્સીંગ) મહામારીથી થનાર મોત ઘટાડવાનું મહત્વ પૂર્ણ સાધન રહ્યું.

એડીનબર્ગ યુનિવર્સિટીની સ્કુલ ઓફ ફીઝીકસ એન્ડ એસ્ટ્રોનોમીના પ્રોફેસર અને આ રિપોર્ટના મુખ્ય લેખક ગ્રીમ ઓકલેન્ડે કહ્યું, ''ટુંકા ગાળામાં શાળાઓ બંધ રાખવાથી સંક્રમણથી થનારા મોતોની સંખ્યા ઓછી રહી પણ આ નિર્ણયે આપણને સંક્રમણ પછીના તબકકા માટે ઘણા વધારે જોખમમાં મુકી દીધા'' તેમણે કહ્યું કોવિદ-૧૯ મહામારીની અસરને ઓછી કરવા માટે વિભીન્ન આયુ વર્ગના લોકો માટે અલગ અલગ રણનીતિઓની જરૂર હતી, જેમાં વધારે ધ્યાને બુઝર્ગો અને જોખમગ્રસ્ત લોકોના બચાવ કરવા પર આપવાનું હતું.

આ અભ્યાસના પરિણામો ''રિપોર્ટ૯''ના વિશ્લેષણ પર આધારિત છે. ઇમ્પીરીયલ કોલેજ ઓફ લંડનના આ અભ્યાસનો ઉપયોગ બ્રિટીશ સરકારની કટોકટીની સ્થિતિમાં વૈજ્ઞાનિક સલાહકાર ગ્રુપે ર૩ માર્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં કર્યો હતો. તેના હેઠળ શાળાઓએ પણ બંધ કરી દેવાઇ હતી.

આ નવું વિશ્લેષણ બ્રિટીશ મેડીકલ જર્નલમાં પ્રકાશિત થયું છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે શાળાઓ અને દુકાનો બંધ રાખવા જેવા ઉપાયઇો જો ફરીથી અજમાવાશે તો મહામારી હજુ પણ લાંબો સમય ચાલી શકે છે અને અસરકારક રસીકરણ નહીં થાય તો લાંબા ગાળે ઘણા વધારે મોત થશે.

(11:21 am IST)