Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ચાર લાખ ટન અડદની આયાતને મંજૂરી

વિવિધ દાળનું કુલ ઉત્પાદન ૯૩ લાખ ટન થવાની ધારણા

નવી દિલ્હી,તા. ૯: ડિરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ ચાર લાખ ટન અડદની આયાત કરવા માટે પરવાનગી આપી છે. આ સંદર્ભે સરકારે વિવિધ એજન્સીઓને આયાત માટે કવોટા જાહેર કર્યા હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. ડીજીએફટી દ્વારા આયાતકાર એજન્સીઓ માટે શરતો અને નિયમો નકકી કરવામાં આવ્યા છે. તે અનુસાર ૧૫૪૫ આયાતકારો પ્રત્યેક સમાનરૃપે ૯૭ ટન અડદની આયાત કરી શકશે. એમ સુત્રોએ ઉમેર્યું હતું.

મિલરોએ તુવેર દાળની આયાત માટે અરજી કરી હતી. પણ દેશમાં પૂરતો સ્ટોક હોવાથી તેને હજી સુધી મંજૂરી મળી નહિ હોવાનું ડીજીએફટીના એક અધિકારીએ જણાવ્યું હતું.

ગયા એપ્રિલમાં સરકારે ચાર લાખ ટન તુવેરની આયાત કરવાની ઘોષણા કરી હતી. પરંતુ એજન્સીઓને કવોટા જાહેર કર્યા નહોતા. સરકારે તે સમયે બે લાખ ટન તુવેરની મોઝામ્બિરથી આયાત કરવાનું પણ વિચાર્યું હતું. કૃષિ આયુકત એસકે. મલ્હોત્રાએ જણાવ્યું છે કે આ વર્ષે ખરીફ મોસમાં વિવિધ દાળનું કુલ ઉત્પાદન ૯૩ લાખ ટન થવાની ધારણા છે. તુવેરનું ઉત્પાદન ગયા વર્ષે ૩૮.૩ લાખ ટન થયું હતું. તે આ વર્ષે ૪૦ લાખ ટનથી વધુ થવાની ધારણા હોવાનું તેમણે જણાવ્યું હતું.

વેપારીઓના જણાવ્યા મુજબ આવી રહેલા તહેવારોના કારણે મહારાષ્ટ્ર અને કર્ણાકટની ઉત્તમ ગુણવતાની તુવેર દાળના ભાવ મિલ ગેટ ઉપર કિલોએ રૃા.૧૦૦ નો ઉંચો ભાવ બોલાતાં રિટેલમાં ભાવ વધારો શકય છે.

(11:19 am IST)