Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પુત્ર - પુત્રી - પુત્રવધૂને પણ અનેક નેતાઓએ ચૂંટણી ટિકિટો આપી

બિહારની ચૂંટણીમાં પરિવારવાદની બોલબાલાઃ સસરા- જમાઇ- વેવાઇ- વેવાણ વગેરે મેદાનમાં

પટણા તા. ૯ : બિહારના રાજકારણમાં પરિવારવાદનો એક નવો ચહેરો સામે આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ જોડી સસરા અને જમાઇ પણ મેદાનમાં ઉતર્યા છે. તમામ અલગ-અલગ છ વિસ્તારમાં તેઓ નસીબ અજમાવી રહ્યા છે. આમા એક જોડી એક જ પક્ષ અને એક જ જિલ્લાના છે તો સસરા અને જમાઇની જોડી બે પક્ષ અને બે જિલ્લાથી મેદાનમાં છે. આ સસરા અને જમાઇ જેડીયુ, રાજદ અને હમ ના ઉમેદવારો છે. એટલું જ નહિ વેવાઇ અને વેવાણ પણ એક જ પક્ષથી મેદાનમાં ઉતર્યા છે. હમના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી ગયા જિલ્લામાંથી ચૂંટણી લડી રહ્યા છે તો તેમના જમાઇ જહાનાબાદ જિલ્લામાંથી મેદાનમાં છે. એટલું જ નહિ જીતનરામના વેવાણ જ્યોતિદેવી પણ ચૂંટણી લડી રહ્યા છે.

આ જ પ્રકારે સરકારના કાનૂન મંત્રી નરેન્દ્ર નારાયણ યાદવ મધેપુરા જિલ્લાથી મેદાનમાં છે તો તેમના જમાઇ મધેપુરાથી જેડીયુના ઉમેદવાર છે. આ જ પ્રકારે પૂર્વ મંત્રી ચંદ્રીકારાય અને તેમના જમાઇ લાલપ્રસાદ યાદવના મોટાપુત્ર તેજપ્રતાપ યાદવના સંબંધમાં ભલે તિરાડ પડી હોય પણ બંને ચૂંટણી લડી રહ્યા છે.

એક જ પક્ષથી એક જ જોડી પતિ-પત્નીની અદાલતમાં ઉતર્યા છે. જેડીયુની ટીકીટ પર ધારાસભ્ય કૌશલ યાદવ નવાદા બેઠકથી તો તેમના પત્ની પૂર્ણિમાદેવી ગોવિંદપુરથી મેદાનમાં છે. બે પિતરાઇ ભાઇ પણ મેદાનમાં ઉતર્યા છે. દોઢ ડઝનથી વધુ નેતા પુત્ર, પુત્રી, પત્ની અને પુત્રવધૂ ચૂંટણીના મેદાનમાં છે. તમામ પક્ષોના એવા ઉમેદવારો છે જેમના સંબંધ રાજકીય પરિવારો સાથે છે. તેઓને ચૂંટણી ટીકીટ મહેનત પર નહિ પણ વારસાને કારણે મળી છે.  ચૂંટણીમાં બંને પક્ષો એટલે કે મહાગઠબંધન અને એનડીએ તરફથી પ્રથમ ચરણમાં અનેક નેતાજીના પુત્ર - પુત્રી, પુત્રવધૂ અને પત્નીઓ મેદાનમાં છે. કેટલાકે કાનૂની મજબૂરીના કારણે પોતાના આશ્રીતને મેદાનમાં ઉતાર્યા છે તો કેટલાકે તબિયત સારી ન હોવાથી અથવા તો વધુ ઉંમરને કારણે પોતાના પુત્ર - પુત્રીને મેદાનમાં મુકયા છે.

(11:07 am IST)