Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

હવે ત્રાસવાદીઓનો વીણી-વીણીને સફાયો

જમ્મુ-કાશ્મીરમાં હવે નરાધમોની ખેર નથીઃ નવેસરથી યોજના

નવી દિલ્હી,તા.૯ : સીઆરપીએફ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડવા માટે નવી અને કડક વ્યૂહરચના ઘડી રહી છે. સુરક્ષા દળ દક્ષિણ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કાયમી છાવણીઓ સ્થાપિત કરવા માંગે છે. તે જ સમયે, અન્ય ઘણા વિસ્તારોમાં, તેમની હંગામી શિબિરો દ્વારા આતંકવાદીઓ પર દબાણ લાવવાની યોજનાઓ બનાવવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે, દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓના મુખ્ય ગઢમાં પ્રવેશ કરીને સુરક્ષા દળો પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહ્યા છે. આ સિવાય સમગ્ર કાશ્મીર માટે સુરક્ષા દળએ નવી આતંકવાદ વિરોધી વ્યૂહરચના ઘડી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ૨૦ સ્થળોની સૂચિ પૂરી પાડવામાં આવી છે, જયાં સૂચિત બટાલિયન કેમ્પ સ્થાપિત કરવાના છે. જમ્મુના કેટલાક વિસ્તારોમાં કેમ્પ સ્થાપવાની પણ દરખાસ્ત છે. પુલવામા અને શોપિયન, શ્રીનગર, બડગામ, ગેન્ડરબલ, બાંદીપોરા, બારામુલ્લા, કુપવાડા, કુલગામમાં અનેક સ્થળોએ બટાલિયન કેમ્પ સ્થાપવાની દરખાસ્ત છે.

જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાને સાથે મળીને આતંકવાદીઓની કમર તોડવામાં સફળતા મેળવી છે. પરંતુ દક્ષિણ કાશ્મીરના ઘણા એવા ક્ષેત્ર છે જયાં હજી પણ આતંકવાદીઓને આશરો મળી રહ્યો છે.

સીઆરપીએફ ઇચ્છે છે કે બટાલિયન કેમ્પ સ્થળ જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમય સુધી તૈનાત હોવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. બટાલિયન માટે પૂરતા માળખાગત સુવિધાની પણ જરૃર જણાવાય છે. સૂત્રો કહે છે કે સૂચિત બટાલિયન શિબિર સીઆરપીએફ જવાનો માટે પૂરતા માળખાકીય સુવિધાઓ બનાવવા માટે જ નથી, પરંતુ તેમનું મનોબળ જાળવવામાં પણ મદદ કરશે. પર્યાપ્ત માળખાઓની હાજરીમાં મર્યાદિત સમય સાથે પરિવારોને પણ અહીં રાખી શકાય છે.

સુરક્ષા દળ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ ખીણમાં સતત તેમની રણનીતિ બદલી રહ્યા છે. પાકિસ્તાન ખીણમાં અસ્થિરતા માટે દબાણ કરી રહ્યું છે. સુરક્ષા દળોએ આનો સામનો કરવા માટે લાંબા ગાળાની વ્યૂહરચનાની જરૃર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરમાં વધુ કડકતા હોવાને કારણે આતંકવાદીઓ એવા વિસ્તારોમાં સ્થળ શોધવાનો પ્રયાસ કરે છે જયાં સુરક્ષા દળોની હાજરી ઓછી હોય છે. તેથી, તમામ સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ વચ્ચે સંકલન સાથે ખીણની એકંદર વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે અમે આતંકવાદીઓની દરેક હિલચાલને શોધીને મજબૂત રીતે અમારૃ અભિયાન ચલાવી રહ્યા છીએ.

(11:05 am IST)