Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ગરબા રમતી વખતે પરસેવાથી ભીનું થયેલું માસ્ક નકામું

કોરોના સંક્રમણનો નવો વેવ ખતરનાક સાબિત થઇ શકેઃ તબીબોઃ ઉજાગરા-થાકને લીધે ઇમ્યુનિટી ઘટે, માસ્ક પહેરો તો ઓકિસજનની જરૂરિયાત વધે

નવી દિલ્હી, તા.૯: સરકારે નવરાત્રિ પર્વમાં ગરબા માટે ૨૦૦ લોકોને છૂટ આપવાની તૈયારી દર્શાવી છે, જોકે હજુ પણ તબીબો નવરાત્રિના આયોજન સામે સખત વિરોધ કરી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ અને અન્ય તબીબો કહે છે કે, નવરાત્રિની ઉજવણી ખતરનાક સાબિત થઈ શકે છે.

ખેલૈયા માસ્ક સાથે ગરબાં રમે કે માસ્ક વગર, બંને રીતે નુકસાનકારક છે, માસ્ક પહેરીને ગરબા રમે ને બે મિનિટમાં પરસેવાથી માસ્ક ભીનું થઈ જાય તો માસ્ક નકામું બની જાય છે, માસ્ક ચોખ્ખું હોવું જોઈએ નહિતર વાયરસ દ્યૂસવાની શકયતા વધી જાય છે, તો માસ્ક સાથે રમે ત્યારે ઓકિસજનની જરૂરિયાત વધે, રાતના ઉજાગરા-થાકના કારણે માથાના દુઃખાવાની ફરિયાદ, અશકિત આવવાની સ્થિતિ સાથે ઈમ્યુનિટીમાં ઘટાડો થાય.

એટલું જ નહિ પરંતુ પોલીસ કયાં કયાં જઈને નિયમોનું પાલન કરાવશે, બધે તો પહોંચી નહિ વળાય? દંડના નામે ઉદ્યરાણાં થાય એ અલગ. આ સંજોગોમાં લોકોએ સ્વયં નવરાત્રિનું આયોજન ટાળે એ ખૂબ જરૂરી છે.

તબીબો કહે છે કે, સરકાર નવરાત્રિમાં ૨૦૦ લોકોને છૂટ આપવા જઈ રહી છે, પરંતુ ૧૦ લોકો હોય તોય કોરોના સંક્રમણ વધી શકે છે. નવરાત્રિ યોજાય તો કોઈ પણ સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહિ થાય, માસ્ક પહેરીને ગરબા રમવામાં ય તકલીફ થવાની છે, ઓકિસજનની જરૂરિયાત વધે છે, માસ્ક સાથે ગરબા રમવામાં તકલીફ છે તો માસ્ક નહિ પહેરે ત્યારે સીધે સીધા એકાદ બે સંક્રમિત લોકો હશે તે બધામાં ચેપ ફેલાવશે.

આ સંજોગોમાં કોરોના સંક્રમણનો નવો વેવ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. 'જાન હૈ તો જહાન હૈ'ની નીતિ અપનાવી જે રીતે રથયાત્રા-ઈદ જેવા તહેવારો મનાવ્યા નથી તે રીતે લોકો સ્વયં નવરાત્રિ પર્વમાં ભેગા ન થાય તે હિતાવહ છે.

કોરોના સંક્રમિત ૧૦% ડોકટરોનાં મોત, સામાન્ય દર્દીમાં ૧.૦૫%

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના રિપોર્ટ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં ૪ હજાર જેટલા ડોકટરો કોરોના સંક્રમિત થયા, તેમાંથી ૫૫૦થી વધુ ડોકટરોના મોત થયા છે, આમ ડોકટરોમાં મોતનું પ્રમાણ ૧૦ ટકા કરતાંથી વધુ છે, બીજી તરફ દેશમાં ૬૫ લાખ જેટલા લોકો સંક્રમિત થયા, તેમાંથી ૧.૦૫ લાખના મોત થયા છે. સામાન્ય દર્દીઓમાં મોતનું પ્રમાણ ૧.૦૫ ટકા જેટલું છે. ગુજરાતમાં કોરોનાથી ૪૦થી વધુ ડોકટરોનાં મોત થયાં છે. દેશમાં દર ૨૯૪ સામાન્ય દર્દીના મોત સામે એક ડોકટરનું અત્યાર સુધીમાં મોત થયું છે.

(10:09 am IST)