Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પોસ્ટ કોવિડ ઇફેકટ

પ ટકા દર્દીઓને સ્વાદ-સુંઘવાની ક્ષમતા પાછી ન ફરી : ૬૦ ટકાને થાકની ફરિયાદ

નવી દિલ્હી, તા. ૯ : કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી પણ લોકોને કેટલાય પ્રકારની તકલીફો ચાલુ છે તેમાં લગભગ પાંચ ટકા દર્દીઓ એવા છે જેમને સાજા થયાના અઢી મહિલના પછી પણ સુંધવા અને સ્વાદની ક્ષમતા પાછી નથી આવતી. ડોકટરો પણ દર્દીઓન એ નથી કહી શકતા કે આવી સ્થિતિ કયાં સુધી રહેશે.

સંક્રમણમાંથી સાજા થયેલા લોકોને જો કોઇ તકલીફ હોય તો તેમના માટે દિલ્હી સરકારની રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પોસ્ટ કોવિડ કલીનીક ખોલવામાં આવ્યું હતું. હોસ્પિટલના કોવિડ નોડલ ઓફીસર ડોકટર અજીત જૈન જણાવે છે કે કોરોનાથી પીડિત કેટલાક દર્દીઓમાં સુંધવાની ક્ષમતા જતી રહેવી અથવા સ્વાદ ન આવવો જેવા લક્ષણો હોય છે. સાજા થયા પછી પણ આ તકલીફ ચાલુ રહે તે પોસ્ટ કોવિડ ઇફેકટ કહેવાય છે.

હોસ્પિટલમાં ર૩ જૂનથી શરૂ થયેલી કલીનીકમાં અત્યાર સુધીમાં રપ૦થી વધારે લોકો અલગ અલગ પ્રકારની તકલીફો લઇને આવી ચૂકયા છે. તેમાં લગભગ પાંચ ટકા એટલે કે ૧૩ દર્દીઓ એવા છે જેમની સુંઘવાની અથવા સ્વાદની શકિત હજુ સુધી પાછી નથી આવી.

સુંઘવા ઉપરાંત થાક લાગવો, કળતર, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાવાળા દર્દીઓ પણ આવી રહ્યા છે. ડોકટર જૈને કહ્યું કે, સાજા થયેલા મોટાભાગના દર્દીઓને તકલીફ નથી થતી પણ જેમને આ તકલીફો આવે છે તેમને તે લાંબા સમય સુધી ચાલે છે. જો કે તેમનામાં ધીમે ધીમે સુધારો થાય છે પણ તેઓ કેટલા સમયમાં સાવ સાજા થઇ જશે તે અંગે ત્યારે કંઇ ન કહી શકાય.

(10:07 am IST)