Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ભયાનક સ્થિતિ : ડોકટરો - નર્સોની અછત : પગાર પણ નથી થતાં

અફઘાનિસ્તાન : તાલીબાનરાજમાં દવાની કારમી અછત : ઇલાજમાં વિલંબથી લોકો મરી રહ્યા છે

રાત્રે કોઇની તબિયત બગડે તો લોકો તાલિબાનના ડરથી બહાર નથી નીકળતા

કાબુલ તા. ૯ : અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવતા આરોગ્ય સેવાઓ કથળી છે. ડોકટર્સ વીધાઉટ બોર્ડર્સના નામથી પ્રખ્યાત ફ્રેન્ચ સંસ્થા મેડીસીન્સ સેન્સ ફ્રન્ટીયર્સ (એમએસએફ)એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં ટુંક સમયમાં લોકો ગોળી અને બોમ્બથી નહીં પણ દવાની એક નાનકડી ટીકડીના અભાવે મરતા જોવા મળશે.

એમએસએફની માર્ટીન ફલોકસ્ત્રાએ કહ્યું કે, યુધ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં હાલત પહેલાથી જ ખરાબ હતી. તાલિબાન રાજ પછી અમેશ્રિકા સહિત અન્ય દેશોએ જ્યારથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે ત્યારથી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે પડી ભાંગી છે. ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મીઓને કેટલાક મહિનાઓથી પગાર નથી મળ્યો. હવે તાલિબાનના આવ્યા પછી પગાર મળવાની કોઇ શકયતા દેખાતી પણ નથી. મુશ્કેલીએ છે કે ડોકટરો આ પરિસ્થિતિમાં પણ સારવાર કરવા તૈયાર છે પણ જરૂરી દવાઓ અને અન્ય ઉપકરણોનો સપ્લાય ના થવાના કારણે ગંભીર દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે.

સારવાર વ્યવસ્થા એટલી હદે ખોરવાઇ ગઇ છે કે દિવસભર ઇમરજન્સી સાયરનો વાગતા રહે છે. રસ્તાઓ પર એમ્બ્યુલન્સ દર્દીઓને લઇને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડતી રહે છે. વિશ્વ આરોગ્ય સંગઠન, એમએસએફ, અફઘાન રેડ ક્રીસન્ટ અને રેડક્રોસને પણ આ કટોકટીની પરિસ્થિતિમાં મદદ માટે અપીલ કરાઇ રહી છે પણ બધી સંસ્થાઓ વર્તમાન પરિસ્થિતિ સામે બેબસ અને લાચાર છે. ડબલ્યુ એચઓએ જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં રહેલા ૨૩૦૦ હેલ્થ કલીનીકમાંથી ૯૦ ટકા બંધ થઇ ચૂકયા છે.

એમએસએફના રિપોર્ટ અનુસાર લોકો રાત્રીના સમયે કોઇ ગંભીરરૂપે બિમાર થઇ જાય તો હોસ્પિટલે જવાની હિંમત નથી કરતા. બૂસ્ટ હોસ્પિટલમાં દાખલ એક દર્દીના સગાનું કહેવું છે કે રાત્રે અચાનક કોઇની તબિયત ખરાબ થઇ જાય તો હોસ્પિટલ જવાની હિંમત નથી થતી, ભલે દર્દીનું મોત થઇ જાય. જીવવાની આશા સવાર પડયા પછી જ જાગે છે. પણ હવે દવા, તપાસ અને સારવાર મુશ્કેલ બની ગયા છે.

(12:09 pm IST)