Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

તહરીક-એ-તાલિબાનની ધમકી બાદ ચિંતામાં પાકિસ્તાની પત્રકારોમાં ભય ફેલાયો :ઈમરાન સરકાર પાસે માંગી સુરક્ષા

ટીટીપીએ કહ્યું-પત્રકારોએ તેમના માટે આતંકવાદી સંગઠન શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ.

તહરીક-એ-તાલિબાને તાજેતરમાં જ પાકિસ્તાની પત્રકારોને તાલિબાન વિરુદ્ધ બોલવાથી દૂર રહેવાની ધમકી આપી હતી. હવે તાલિબાનની આ ધમકી બાદ પત્રકારોમાં ભયનો માહોલ છે. તહરીક-એ-તાલિબાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે અને આ સંગઠને પાકિસ્તાનમાં આશ્રય લીધો છે. ટીટીપીના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પત્રકારોએ તેમના માટે આતંકવાદી સંગઠન શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. ટીટીપીની આ ધમકી બાદ ગભરાટમાં આવેલા પત્રકારોએ ઈમરાન ખાન સરકારને સુરક્ષાની વિનંતી કરી છે.

પાકિસ્તાન ફેડરલ યુનિયન ઓફ જર્નાલિસ્ટના પ્રમુખ શાહજાદા ઝુલ્ફીકાર અને સેક્રેટરી જનરલ નાસિર ઝૈદીએ ધમકી અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં કાર્યરત પત્રકારોની સુરક્ષાનો ઉલ્લેખ યુનિયનના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. જર્નાલિસ્ટ એસોસિએશને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના બે પ્રાંતોમાં 30 પત્રકારોની હત્યા કરવામાં આવી હતી તેના પર પણ ચિંતા વ્યક્ત કરી છે. પત્રકારોના સંગઠને ચિંતા વ્યક્ત કરી છે કે કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને પત્રકારોની હત્યાના સંબંધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

પીએફયુજેએ એમ પણ કહ્યું કે આતંકવાદી સંગઠનો દેશમાં મીડિયા કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. સંઘના સભ્યોએ કહ્યું કે આ તે સમય છે જ્યારે ઈમરાન ખાન સરકારે પત્રકારોની દરેક માંગણી સ્વીકારવી જોઈએ અને તેમની સલામતી પર ધ્યાન આપવું જોઈએ. સરકારે પત્રકારો સંબંધિત સુરક્ષા બિલને મંજૂરી આપવી જોઈએ. પત્રકાર સંગઠને કહ્યું કે, અમે મીડિયા જૂથોના માલિકોને સલાહ આપી છે કે તેઓ તેમના કર્મચારીઓને જીવન વીમો આપે. ખાસ કરીને જેઓ તણાવગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહ્યા છે. આવા ક્ષેત્રોમાં કામ કરતા પત્રકારોને સારી તાલીમ પણ આપવી જોઈએ.

(12:00 am IST)