Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરના બે દિવસીય પ્રવાસે : શ્રીનગર પહોંચ્યા : મંગળવારે કોંગ્રેસ મુખ્યાલયનું કરશે ઉદ્ઘાટન

રાહુલ ગાંધી કાશ્મીરમાં મુલાકાત દરમિયાન હઝરતબલ દરગાહ અને શંકરાચાર્ય મંદિરની મુલાકાત લેશે : સાંજે રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ માટે ડિનર પાર્ટી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે છે. આ પ્રવાસને લઈને તેઓ શ્રીનગર  પહોંચ્યા હતા. જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેઓ મંગળવારે સવારે પાર્ટી હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કરવાના છે. તેઓ તેમની આ મુલાકાત દરમિયાન નેતાઓ અને પાર્ટીના કાર્યકરો સાથે પણ વાતચીત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે.

કોવિડ -19ને કારણે જમ્મુ -કાશ્મીરમાં કોંગ્રેસ હેડક્વાર્ટરના ઉદ્ઘાટનમાં મોડું થયું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના નેતૃત્વએ ટૂંકા પ્રવાસ માટે રાહુલ ગાંધીનો સંપર્ક કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ એકમના પ્રમુખ ગુલામ અહમદ મીર મંગળવારે સાંજે રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ માટે ડિનર પાર્ટીનું આયોજન કરશે.

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ મોહમ્મદ યુસુફ તારિગામી સહિત પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડેક્લેરેશનના નેતાઓ પણ આ ડિનર પાર્ટીમાં હાજરી આપવા જઈ રહ્યા છે. મીરે કહ્યું, "મેં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને અન્ય નેતાઓને ડિનર માટે પણ આમંત્રણ આપ્યું છે. હું મારા પુત્રના સન્માનમાં ડિનર પાર્ટી કરી રહ્યો છું, જેના થોડા દિવસો પહેલા લગ્ન થયા છે.

રાહુલ ગાંધી કાશ્મીરમાં મુલાકાત દરમિયાન હઝરતબલ દરગાહ અને શંકરાચાર્ય મંદિરની મુલાકાત લેશે. 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે કલમ 370 અને 35 (A) રદ કરી અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ જમ્મુ-કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે.

28 જુલાઈના રોજ ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે “સામાન્ય સ્થિતિ પુનસ્થાપિત થયા પછી” જમ્મુ -કાશ્મીરને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તે જ સમયે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખાતરી આપી છે કે “કેન્દ્રશાસિત પ્રદેશને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે”.

(12:52 am IST)