Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

તાલીબાન દ્વારા ટાઈટ કપડાં પહેરનારી યુવતીની હત્યા

યુએસ સેનાના પાછા ફર્યા બાદ અફઘાનિસ્તાનમાં અરાજકતા : યુવતી પોતાના ઘરેથી બલ્ખની રાજધાની મજાર-એ-શરીફ જઈ રહી હતી ત્યારે આતંકીઓએ ગોળી મારી હત્યા કરી

કાબુલ, તા.૯ : અફઘાનિસ્તાનમાંથી અમેરિકા સેનાની વાપસી બાદથી ત્યાં ફરીથી તાલિબાનનો આતંક વધી ગયો છે. હવે તાલિબાને ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી છે. તાલિબાનના આતંકીઓએ એક યુવતીની એટલા માટે હત્યા કરી દીધી, કેમ કે તેણે ટાઈટ કપડા પહેર્યા હતા અને તેની સાથે કોઈ પુરૂષ સાથી નહોતો.

રિપોર્ટ અનુસાર, ઘટના ઉત્તર બલ્ખ પ્રાંતના સમર કાંદિયાનના એક ગામની છે, જેની પર સમગ્ર રીતે તાલિબાનીઓનો કબ્જો છે. બલ્ખના પોલીસ પ્રવક્તા આદિલ શાહે જણાવ્યુ કે યુવતીનુ નામ નાઝનીન હતુ અને તેની ઉંમર ૨૧ વર્ષ હતી.

તેમણે જણાવ્યુ કે યુવતી પોતાના ઘરેથી બલ્ખની રાજધાની મજાર-એ-શરીફ જઈ રહી હતી. તે પોતાના ઘરેથી નીકળીને ગાડીમાં બેસી જ રહી હતી કે ત્યારે આતંકવાદીઓએ ગોળી મારીને તેમની હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યુ કે યુવતીએ બુરખો પહેરેલો હતો. જોકે તાલિબાને આ આરોપોને ફગાવ્યા છે.

અફઘાનિસ્તાનમાં જેમ-જેમ તાલિબાનનો કબ્જો વધતો જઈ રહ્યો છે. તેમ-તેમ યુવતીઓ અને મહિલાઓ પર પણ અત્યાચાર વધતા જઈ રહ્યા છે. તાલિબાન યુવતીઓ અને મહિલાઓનુ અપહરણ કરી રહ્યુ છે તેમના આતંકી તેમની સાથે જબરદસ્તી લગ્ન કરી રહ્યા છે. તાલિબાન જેવુ જ કોઈ નવા વિસ્તાર અથવા શહેર પર કબ્જો કરે છે, તેની સાથે જ મસ્જિદમાંથી પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓની પત્નીઓ અને વિધવાઓને તેમને સોંપવાનુ એલાન કરે છે.

તાલિબાનના વધવાથી પરિવારોમાં ડર છે અને તેઓ પોતાના ઘરની મહિલાઓ અને યુવતીઓને કાબુલથી સુરક્ષિત સ્થળે મોકલી રહ્યા છે જેથી તેમને આતંકવાદીઓથી બચાવી શકાય.

અફઘાનિસ્તાનના તખાર અને બદાખશાન વિસ્તારમાં મહિલાઓ સાથે જબરદસ્તી લગ્ન કરાવવાના કેસ સામે આવ્યા છે. આ જ રીતે કેસ બામ્યાન પ્રાંતમાં પણ સામે આવ્યો હતો. જોકે, બામ્યાનમાંથી અફઘાની ફોજે તાલિબાનીઓને બહાર ફેંકી દીધા છે.

(7:45 pm IST)