Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

શિલ્પાની મુશ્કેલીમાં વધારો

UP પોલીસ છેતરપિંડી મામલે શિલ્પા અને તેની માતાની કરી શકે છે પૂછપરછ

રાજ કુન્દ્રા બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

મુંબઇ, તા.૯: રાજ કુન્દ્રા બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. લખનઉમાં નોંધાયેલા છેતરપિંડીના કેસની તપાસ માટે એક ટીમ મુંબઈ માટે રવાના થઈ છે. તે આજે સાંજ સુધીમાં મુંબઈ પહોંચી જશે. અહીં તે શિલ્પા અને તેની માતા સુનંદાની પૂછપરછ કરી શકે છે.

 તેમના પર આરોપ છે કે આયોસિસ સ્લિમિંગ સ્કિન સલુન અને સ્પા વેલનેસ સેન્ટરની શાખા ખોલવાના નામે બંને કંપનીના લોકોએ બે લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. પૈસા લીધા પછી પણ અભિનેત્રી અને તેની માતાએ તેમની પ્રતિબદ્ઘતા પૂરી કરી નથી. શાખા ખોલતી વખતે ન તો શિલ્પા ત્યાં પહોંચી ન તો તેની કંપનીના લોકોએ મદદ કરી.

આ કેસમાં લખનઉના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં ઓમેકસ હાઇટ્સમાં રહેતી જયોત્સના ચૌહાણ અને હજરતગંજ પોલીસ સ્ટેશનમાં રોહિત વીરસિંહે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. બંને કેસની તપાસમાં શિલ્પા અને તેની માતા સુનંદાની ભૂમિકા સામે આવી છે. હઝરતગંજ પોલીસે એક મહિના પહેલા બંનેને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કેસમાં વિભૂતિખંડ પોલીસની ટીમ નોટિસ આપવા માટે મુંબઈ પહોંચી રહી છે. ડીસીપી ઈસ્ટની વિશેષ ટીમ અલગ તપાસ માટે મુંબઈ પહોંચી છે.

જયોત્સના ચૌહાણે ગયા વર્ષે જૂનમાં કેસ દાખલ કર્યો હતો. તેમાં આરોપ છે કે વેલનેસ સેન્ટર ખોલવાના નામે કિરણ વાવા, વિનય ભસીન, અનિકા ચતુર્વેદી, ઇશરાફિલ, નવનીત કૌર, આશા, પૂનમ ઝા સહિત અનેક લોકોએ  ૨.૫ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. કંપનીના લોકોએ માત્ર સેન્ટર ખોલવા માટે માલ મોકલ્યો હતો. જેના બદલામાં પૈસા વસુલ્યા હતાં.  આરોપ છે કે આના માટે ઘણા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્રના ઉદઘાટનમાં સેલિબ્રિટીના આગમનની વાત હતી. આરોપ છે કે ઉદઘાટનના થોડા સમય પહેલા જ તેઓ વાત પર પણ અડગ રહ્યા નહોતા.

(4:34 pm IST)