Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કાશ્મીરમાં આતંકવાદ પર એક્શનથી પાકિસ્તાન ધૂંધવાયું

આઈએસઆઈએ રચ્યું નાપાક ષડયંત્ર : કાર્યવાહીમાં વિધ્ન નાખવા માટે આઈએસઆઈની ત્રણ આતંકી સંગઠનો સાથે પીઓકેના મુઝફ્ફરાબાદમાં બેઠક

 

જમ્મુ, તા.૮ : આઈએસઆઈએ પાકિસ્તાનના આતંકી સંગઠનો, લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ, અને હિજબુલ મુજાહિદ્દીનને કાશ્મીરમાં ગુપ્તચર એજન્સીઓને નિશાન  બનાવવાનું કામ સોંપ્યુ છે.

આઈએસઆઈએ આ આતંકી સંગઠનોને કહ્યું છે કે કાશ્મીરમાં ગુપ્તચર એજન્સીઓના લોકોની ઓળખ કરીને તેમને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવે. આતંકવાદીઓ વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહીથી પાકિસ્તાન પરેશાન છે. આ કાર્યવાહીમાં વિધ્ન નાખવા માટે ISI એ ત્રણ આતંકી સંગઠનો સાથે પીઓકેના મુઝફ્ફરાબાદમાં બેઠક કરી. આ બેઠક દરમિયાન એવા નિર્દેશ અપાયા કે ગુપ્તચર એજન્સીઓના લોકોની ઓળખ કરીને તેમને ખતમ કરવામાં આવે. વાત જાણે એમ છે કે ઈન્ટેલિજન્સ એજન્સીઓની જાણકારીઓના કારણે જ આતંકીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે અને સુરક્ષાદળો તેમનો ખાતમો કરી રહ્યા છે. આ બધા વચ્ચે ઘાટીમાં સેના અને અન્ય સુરક્ષા, તપાસ એજન્સીઓની કાર્યવાહીથી આતંકવાદની કમર તૂટી રહી છે. આજે પણ એનઆઈએએ જમ્મુ  અને કાશ્મીરમાં જમાત એ ઈસ્લામી સંલગ્ન સભ્યો વિરુદ્ધ અનેક ઠેકાણે દરોડા પાડ્યો. લગભગ બે વર્ષ પહેલા કેન્દ્રએ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આ ધાર્મિક સમૂહ પર પ્રતિબંધ લગાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે કાશ્મીરના લગભગ તમામ જિલ્લા અને જમ્મુ ક્ષેત્રમાં રામબન, કિશ્તવાડ, ડોડા, અને રાજૌરી સહિત કેટલાક જિલ્લાઓમાં જમાત એ ઈસ્લામીના સભ્યોના મકાનો અને કાર્યાલયો પર ૪૫થી વધુ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા.

કેન્દ્રએ ફેબ્રુઆરી ૨૦૧૯માં આતંકવાદ વિરોધી કાયદા હેઠળ જમાત એ ઈસ્લામીને પાંચ વર્ષ માટે એ આધારે પ્રતિબંધિત કરાયું કે તે આતંકવાદી સંગઠનોની નજીકના સંપર્કમાં હતું અને તેનાથી રાજ્યમાં અલગાવવાદી આંદોલન વધવાની આશંકા હતી. ગૃહ મંત્રાલયે સુરક્ષા મામલાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ગેરકાયદેસર ગતિવિધિઓ અધિનિયમ હેઠળ આ સમૂહને પ્રતિબંધિત કરનારું નોટિફેકેશન બહાર પાડ્યું હતું.

(12:00 am IST)