Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

બુલીયન માર્કેટમાં કડાકોઃ ચાંદીમાં ૫૦૦૦ રૂ. અને સોનામાં ૧૦ ગ્રામે ૧ર૦૦ રૂ.તૂટયા

ચાંદીના ભાવ ઘટીને ૬૪૦૦૦ રૂ. અને સોનાના ભાવ પ૧ર૦૦ રૂ. થયા

રાજકોટ, તા., ૯: બુલીયન માર્કેટના ગત મોડી રાત્રે સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકા થયા હતા. ચાંદીમાં પ૦૦૦ રૂ. અને સોનામાં ૧ર૦૦ રૂપીયાનું ગાબડુ પડયું હતું.

બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીના પગલે ગત રાત્રે ચાંદીના ભાવો કડડભૂસ થઇ ગયા હતા. ચાંદીમાં એક જ ઝાટકે પ૦૦૦ રૂ.નું તોતીંગ ગાબડુ પડયું હતું. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૬૯,૦૦૦ રૂ. હતા તે ઘટીને ૬૪,૦૦૦ રૂ. થઇ ગયા હતા.

ચાંદીની સાથે સોનાના ભાવો  પણ તૂટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧ર૦૦ રૂ. ઘટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ) પર૪૦૦ રૂ. હતા તે ઘટીને પ૧ર૦૦ રૂ. થઇ ગયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે  ૧ર૦૦૦ રૂ.નું ગાબડુ પડયું હતું. ગઇકાલે  સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવ પ,ર૪,૦૦૦ રૂ. હતા તે ઘટીને પ,૧ર,૦૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે કોરોના કાળમાં સોના-ચાંદીના ભાવમાં તેજીએ તરખાટ મચાવ્યો હતો. ચાંદીના ભાવ એક તબક્કે ૭૪,૦૦૦ રૂ. અને સોનાના ભાવ પ૭,૦૦૦ રૂ. થઇ ગયા હતા. જો કે બાદમાં બંન્ને કિંમતી ધાતુઓના ભાવોમાં ક્રમશ ઘટાડો થયો હતો. ગત સપ્તાહમાં ચાંદીમાં તેજીના પગલે ચાંદીના ભાવ ૭૦,૦૦૦ રૂ. થઇ ગયા હતા.

(1:06 pm IST)