Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ચીનની કંપનીનું વિચિત્ર ફરમાન

સ્ટાફ એકથી વધુ વખત ટોઇલેટ જશે તો ભરવો પડશે મોટો દંડ

નવી દિલ્હી,તા.૯: વિચારો કે તમે ઓફિસમાં કામ કરી રહ્યા છો અને આપને તાત્કાલિક ટોઇલેટ જવાની જરૂર પડે છે તો અને તે સમયે તમને ન જવા દેવામાં આવે તો શું સ્થિતિ થાય? કંઈક આવા જ પ્રકારની પોલિસી ચીનની એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે બનાવી છે. આ કંપની પોતાના કર્મચારીઓને ટોઇલેટ જવા દે છે પરંતુ એકથી વધુ વાર શૌચાલય જવા પર કર્મચારીઓને દંડ આપવો પડે છે.

આ તાનાશાહી વલણ ચીનની અનપૂ ઇલેકટ્રીક સાયન્સ એન્ડ ટેકનોલોજી  કંપનીએ અપનાવ્યું છે. ગુઆંગડોગ રાજયના ડોન્ગ ગુઆંગમાં સ્થિત આ કંપનીએ આ નિયમ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. કંપનીએ આ વાતને માની છે કે તેઓએ એક દિવસમાં એક ટોઇલેટ બ્રેકની પોલિસી અપનાવી છે અને જો કોઈ કર્મચારી એક વારથી વધુ ટોઇલેટ જાય છે તો તેને દરેક વખતે ૨૦ યુઆન એટલે કે ૩ ડોલર (૨૨૦ રૂપિયા) દંડ તરીકે ચૂકવવા પડશે. કંપનીએ આ પગલું તેના આળસુ કર્મચારીઓના કારણે લીધો છે જે કામથી બચવા માટે અનેક વાર ટોઇલેક બ્રેક  લે છે.

કંપનીએ જે નોટિસ જાહેર કરી હતી તેને કેટલા કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. ત્યારબાદ કંપનીની વિરુદ્ઘ લોકોએ નારાજગી વ્યકત કરવાનું શરૂ કરી દીધું હતું. કંપનીએ આ હરકત બાદ ૭ કર્મચારીઓને હાંકી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર કંપનીના આ નિયમની ટીકા થઈ રહી છે. પરંતુ કંપની આ વાત પર ટકેલી છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે અનેક કર્મચારી પોતાની જવાબદારી અને કામથી બચવા માટે વધુ ટોઇલેટ બ્રેક લેવા લાગ્યા હતા.

કંપનીના પ્રવકતાએ કહ્યું કે અમે આવું કરવા માટે મજબૂર છીએ કારણ કે કંપનીના કર્મચારી આળસુ છે. તેઓ પોતાના કામથી બચતા રહે છે. કંપનીએ કર્મચારીઓને પણ આ વિશે અનેકવાર વાત કરી પરંતુ તેમનામાં સકારાત્મક ફેરફાર જોવા નથી મળ્યો. કંપનીના પ્રવકતાએ જણાવ્યું કે લોકોને કામ ન કરવા માટે નોકરીથી કાઢી મૂકવાથી તો સારો વિકલ્પ છે કે તેમને દંડ ફટકારવામાં આવે. પ્રવકતાએ કહ્યું કે જે લોકો એકથી વધુ વાર ટોઇલેટ જાય છે તેમને દંડ તે સમયે જ ચૂકવવા માટે નથી કહેવામાં આવતું. પરંતુ તેઓ તેમની મંથલી સેલરી બોનસમાંથી કાપવામાં આવે છે. જે પણ કર્મચારી એકથી વધુ વાર ટોઇલેટ જવા માંગે છે તેને પોતાના બોસની પાસે રજિસ્ટર કરાવવા માટે જવું જ પડે છે.

(10:23 am IST)