Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

આ વખતે વીજળીનું બિલ વધારે આવ્યું છે? આ હોઇ શકે છે કારણ

નવી દિલ્હી તા. ૮ : બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકોમાં બિટકોઈન જેવી કરન્સીનો વધતો ક્રેઝ સામાન્ય માણસો માટે હાનિકારક પુરવાર થઈ શકે છે. સાઈબર સિકયોરિટીના એકસપર્ટ નીલ હસ્કિન્સે આ વાતની ચેતવણી આપી છે. તેમના જણાવ્યા મુજબ ઘરમાં જેટલી સ્માર્ટ ચીજો છે તેના પર હેકર્સની નજર હોઈ શકે છે. તે તમારો અલગ અલગ રીતે દુરૂપયોગ કરી શકે છે. આ કારણે તમારા ઘરનું વીજળીનું બિલ અનેક ગણુ વધી શકે છે.

એકસપર્ટે આ પ્રક્રિયાને ક્રિપ્ટોજેકિંગ નામ આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ હેકર્સ પહેલા ઘરની સ્માર્ટ ચીજોને હેક કરી લે છે અને પછી તેને છોડવા માટે બ્લેકમેલ કરે છે. હેકર્સ લોકોને પોતાની ચુંગાલમાં ફસાવીને પોતાના માટે બિટકોઈન ખરીદવા પણ જણાવી શકે છે.

એવો દાવો છે કે ઘરમાં ઈન્ટરનેટ સાથે જોડાયેલી કોઈપણ ચીજને હેક કરી શકાય છે. જો આ ચીજો હેક કરવામાં આવશે તો તમારુ વીજળીનું બિલ અસમાન્ય રીતે વધી જશે. આ ઉપરાંત કોમ્પ્યુટરની સ્પીડ અચાનક ધીમી થઈ જશે. અથવા તો લેપટોપની બેટરી ફટાફટ ડાઉન થઈ જશે.

સાઈબર સિકયોરિટી ફર્મે ધ ઈન્ડિપેન્ડન્ટ સાથે વાતચીતમાં જણાવ્યું કે 'જે ચીજ સ્માર્ટ છે તેને હેક કરી શકાય છે. તેની મદદથી હેકરને ઈન્ટરનેટ, પાવર અને પ્રોસેસિંગ એ ત્રણેય ચીજો મળી જાય છે. એકસપર્ટે જણાવ્યું કે ક્રિપ્ટો કરન્સીની માઈનિંગ માટે ઘણી વધારે પ્રોસેસિંગ પાવરની જરૂર હોય છે. આ માટે ઘણી વીજળીની જરૂર પડે છે.'હસ્કિન્સનું કહેવું છે કે હેકર્સ કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલના માધ્યમથી જ તમારા ઘરમાં ઘૂસે છે. તમે એ બધામાં પ્રોટેકશન નાંખ્યુ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

(4:57 pm IST)