Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બાબા કા ઢાબા :હૈયું હચમચતાં વિડિઓ વાયરલ થતા વૃદ્ધ દંપત્તિની વ્હારે આવ્યા લોકો: એટલી બધી મદદ મળી કે હવે ના પાડવી પડી

આર્થિક તંગીથી પરેશાન વૃદ્ધ રડવા લાગ્યા હતા: હૈયાફાટ રૂદન કરતો વીડિયો વાયરલ થતા મદદનું ઘોડાપુર : એક જ દિવસમાં બે લાખથી વધુ રકમ આવી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દિલ્હીના એક વૃદ્ધ દંપત્તિનો હૈયાફાટ રૂદન કરતો વીડિયો વાયરલ થયો હતો જેણે લોકોને હચમચાવી નાખ્યા. આ દંપત્તિ દિલ્હીના માલવીય નગરમાં ઢાબા ચલાવે છે. લોકડાઉનના કારણે તેમની આજીવિકાનું એક માત્ર સાધન એવી આ દુકાન બંધ થઈ ગઈ. કોઈ ભોજન કરવા આવતું નહતું. આવામાં વૃદ્ધ દંપત્તિ માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. આ દંપત્તિની મુશ્કેલીઓ અને તેમની વ્યથા એક વીડિયોમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ થયો ત્યારબાદ તો જાણે મદદનું પૂર આવી ગયું. ગુરુવાર બપોર સુધીમાં આ વ્યક્તિના ખાતામાં 2 લાખથી વધુ રકમનું દાન આવી ગયું હતું. વીડિયો વાયરલ કરનારા વ્યક્તિએ વૃદ્ધ દંપત્તિ સાથે વધુ એક વીડિયો બનાવીને ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.

 

આ વીડિયોમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ હવે આ વૃદ્ધ દંપત્તિ માટે વધુ ડોનેશન ન આપે. તેમની પાસે 2 લાખથી વધુ ડોનેશન પહોંચ્યું છે. તેઓ આટલી મદદથી ખુશ છે અને તેમની જરૂરિયાતો હવે સરળતાથી પૂરી થશે. વીડિયોમાં દંપત્તિ ખુશખુશાલ જોવા મળે છે. વૃદ્ધ દંપત્તિએ પણ લોકોને અપીલ કરી છે કે કોઈ અન્ય જરૂરિયાતવાળા લોકોને હવે તેઓ મદદ ક રે.

સોશિયલ મીડિયા પર બુધવારે ટ્વિટર પર એક વૃદ્ધ કપલનો વીડિયો વાયરલ થયો હતો તેઓ માલવીય નગરમાં ઢાબા ચલાવે છે. પરંતુ કોરોનાકાળમાં ગ્રાહકોની મંદીના કારણે તેમને આવક પૂરતી થતી નહતી. વૃદ્ધ કેમેરા સામે જ રડવા લાગ્યા હતાં. તેમના રૂદનથી સોશિયલ મીડિયા પર લોકો ધ્રુજી ગયા અને પછી તો મદદ માટે જાણે પૂર આવી ગયું. અનેક લોકો આ વૃદ્ધ દંપત્તિની મદદે આવ્યાં. 'બાબા કા ઢાબા' પર પછી તો લાંબી લાઈનો થવા માડી. હવે ફરી એકવાર આ કપલના મુખ પર હાસ્ય રેલાવવા લાગ્યું છે.

વૃદ્ધની આંખો ભીની હતી કારણ કે તેમના ઢાબા પર કોઈ ખાવા માટે આવતું નહતું. આ વીડિયોને મોટી મોટી હસ્તીઓએ ટ્વીટ કર્યો હતો અને લોકોને મદદ કરવા જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ આ ઢાબા ચલાવનારા બાબાનું નામ કાંતા પ્રસાદ છે અને પત્નીનું નામ બાદામી દેવી છે. બંને વર્ષોથી માલવીય નગગરમાં પોતાની નાની દુકાન ચલાવે છે. ઉમર 80 વર્ષથી વધુ છે. કાંતા પ્રસાદ જણાવે છે કે તેમને બે પુત્ર અને એક પુત્રી છે પરંતુ કોઈ તેમની મદદ કરતું નથી. તેઓ બધુ કામ પોતે જાતે જ કરે છે અને ઢાબા પણ પોતે એકલા જ ચલાવે છે. લોકડાઉન પહેલા લોકો અહીં ભોજન કરવા માટે આવતા હતાં. પરંતુ લોકડાઉન બાદ તેમની દુકાને કોઈ આવતું નથી. આમ કહીને રડવા લાગ્યા હતા

(9:51 pm IST)