Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ભારતને ચૌથી ઔદ્યોગિક કાંતિમાં મદદરૂપ થવા ડીઝીટલ યુનિટ Jioની કલ્પના ; મુકેશ અંબાણી

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ડિજિટલ અને ફિઝિકલ ટેક્નોલોજીના કન્વર્જન્સ દ્વારા સંચાલિત

નવી દિલ્હી : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ધનાઢ્ય મુકેશ અંબાણીએ આજે ગુરુવારે કહ્યું હતું કે, ત્રણેય ઔદ્યોગિક ક્રાંતિઓ ચૂકી જનારા ભારત પાસે તેની IT ક્ષેત્રની ક્ષમતાઓ, અલ્ટ્રા-હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને પોસાય તેવા સ્માર્ટફોનના ઉત્પાદનનું યોગ્ય સંયોજન કરવામાં આવે તો ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવાની ઊજળી તકો રહેલી છે.

તેમણે કહ્યું કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા માટે જરૂરી ચાવીરૂપ તત્વો પૂરા પાડી શકાય તે માટે તેમના ગ્રૂપ દ્વારા ટેલિકોમ અને ડિજિટલ યુનિટ જિયોની કલ્પના કરવામાં આવી હતી. પહેલી બે ઔદ્યોગિક ક્રાંતિ અને તેના દ્વારા આવેલા ફેરફારોનો લાભ ઉઠાવવાનું ભારત ચૂકી ગયું હતું. જ્યારે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન જ્યારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી આગળ આવી ત્યારે ભારત આ હરિફાઈમાં જોડાયું પરંતુ પાછળ રહી ગયું અને આ ક્ષેત્રના અગ્રણીઓ સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ટીએમ ફોરમ્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્લ્ડ સિરિઝ ખાતે બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, "આપણે જ્યારે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે ભારત પાસે જે-તે ક્ષેત્રના અગ્રણીઓ સાથે તાલ મિલાવવાની જ નહીં, પરંતુ વૈશ્વિક આગેવાન તરીકે ઊભરવાની તક રહેલી છે."

વધુમાં કહ્યું કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ડિજિટલ અને ફિઝિકલ ટેક્નોલોજીના કન્વર્જન્સ દ્વારા સંચાલિત થઈ રહી છે, જેમાં ડિજિટલ કનેક્ટિવિટી, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, IoT અને સ્માર્ટ ડિવાઇસિઝ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, બ્લોકચેઇન, AR/VR (ઓગમેન્ટેડ રિયાલિટી/વર્ચ્યુઅલ રિયાલિટી) અને જિનોમિક્સનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું કે, "આ ક્રાંતિમાં સહભાગી થવા માટે અલ્ટ્રા-હાઇ-સ્પીડ કનેક્ટિવિટી, પોસાય તેવા સ્માર્ટ ડિવાઇસીસ અને ટ્રાન્સફોર્મેશનલ ડિજિટલ એપ એમ ત્રણ પાયાની જરૂરિયાતો રહેલી છે. જિયોની કલ્પના આ સફર ખેડવા માટે કરવામાં આવી હતી.

 

જિયો આવ્યું એ પહેલા, ભારત 2G ટેક્નોલોજીમાં અટવાયેલું હતું. "જિયો ઇચ્છતું હતું કે ભારતની ડેટા સાથે જોડાયેલી પીડા સમાપ્ત થાય અને એક ડિજિટલ ક્રાંતિનો જન્મ થાય," તેમ જણાવી અંબાણીએ ઉમેર્યું હતું કે, "અમે વર્લ્ડ-ક્લાસ, ઓલ-આઇપી, ફ્યૂચર પ્રૂફ ડિજિટલ નેટવર્ક તૈયાર કર્યું છે જે મહત્તમ સ્પીડ આપે અને ભારતમાં શ્રેષ્ઠ નેટવર્ક કવરેજ આપે."

જ્યાં ભારતીય ટેલિકોમ ઉદ્યોગને તેનું 2G નેટવર્ક તૈયાર કરતાં 25 વર્ષ લાગ્યા ત્યાં જિયોએ તેનું 4G નેટવર્ક માત્ર ત્રણ વર્ષમાં જ તૈયાર કર્યું હતું.

"અને મોટાપાયે ડેટાનો વપરાશ સ્વીકૃત થાય તે માટે અમે વિશ્વના સૌથી ન્યુનતમ ડેટા દરો લોન્ચ કર્યા તથા જિયોના ગ્રાહકો માટે વોઇસ સર્વિસ તદ્દન નિઃશુલ્ક કરી નાખી," તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, જિયોફોને સ્માર્ટફોન સસ્તા બનાવી દીધા છે.

તેમણે કહ્યું કે, "આ પરિસ્થિતિએ એક વર્ષ કરતાં ઓછા સમયમાં 100 મિલિયન ભારતીયો માટે અસીમિત સંભાવનાઓ ધરાવતા વિશ્વમાં ડોકિયું કરવાની બારી ખોલી આપી." તેમણે એ પણ ઉમેર્યું કે, જિયો આ સાથે સંખ્યાબંધ મોબાઇલ એપ્સ એકદમ સસ્તા દરે ઓફર કરે છે.

(7:58 pm IST)