Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મારી પુત્રી આઘાતથી બહાર કેવી રીતે આવશે : રીયા ચક્રવર્તીની માતા

પુત્રી જેલમાંથી મુક્ત થતાં માતા ધ્રુસ્કે-ધ્રુસ્કે રડ્યાં : જામીન મળ્યા બાદ રિયાના મિત્રો તેને લેવા ભઆયખલ્લા જેલ પહોંચ્યા હતા અને પોતાની સાથે ઘરે લાવ્યાં હતાં

મુંબઈ,તા.૮ : એક મહિના બાદ પોતાની દીકરી જેલમાંથી મુક્ત થતાં ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડેલી રિયાની માતાના મોઢામાં એક જ વાક્ય હતું, 'ભગવાન છે. સુશાંતસિંહના મોત બાદ ડ્રગ કેસમાં રિયા સામે થયેલી તપાસ બાદ તેને જેલના હવાલે કરાઈ હતી. હાલ રિયા તો જામીન પર મુક્ત થઈ ગઈ છે, પરંતુ તેનો ભાઈ હજુય જેલમાં જ છે. રિયાની મુક્તિના સમાચાર મળતાં જ તેની માતાની આંખમાંથી આંસુ નહોતા રોકાઈ રહ્યાં. તેના પિતાની હાલત પણ કંઈક આવી જ હતી. ગઈકાલે તેઓ લગભગ જમીન પર ફસડાઈ પડવાની સ્થિતિમાં આવી ગયા હતા. રિયાની માતા સંધ્યા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, 'આ એક મહિનાના જેલવાસમાં મારી દીકરી પર શું વિતી હશે, શું તે આ આઘાતમાંથી બહાર આવી શકશે? મારી દીકરી ખરેખર ફાઈટર છે, અને તેણે ખૂબ જ હિંમતથી આ સમગ્ર સ્થિતિનો સામનો કરવો પડ્યો. ગઈકાલે જામીન મળ્યા બાદ રિયાના મિત્રો તેને લેવા માટે બાયખલ્લા જેલ પહોંચ્યા હતા, અને પોતાની સાથે ઘરે લાવ્યાં હતાં. રિયાની માતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી થોડો સમય ઘરે જ રહેશે, અને તેના પર જે વિત્યું છે તેના આઘાતમાંથી તે ધીરે-ધીરે બહાર આવશે.

            દીકરીને આ આઘાતમાંથી બહાર લાવવા માટે પોતે તેના માટે યોગ્ય સારવારની પણ વ્યવસ્થા કરશે, જેથી તે સામાન્ય જીવન જીવવા ફરી માનસિક રીતે મજબૂત બની શકે. સંધ્યા ચક્રવર્તીએ એમ પણ કહ્યું હતું કે આ કાયદાકીય લડાઈ હજુ લાંબી ચાલવાની છે તે નક્કી છે, અને રિયાનો ફરી જેલમાં જવાની શક્યતા પણ છે જ. જોકે, હાલ તે જેલની બાહર આવી ગઈ છે, પરંતુ મામલો હજુ પત્યો નથી. મારો દીકરો હજુય જેલમાં જ છે, ત્યારે આવતીકાલે શું થશે તેની ચિંતા મને સતાવી રહી છે. પોતાના ઘરની બહાર ભેગા થયેલા મીડિયાકર્મીઓ અને ટોળાંથી ભયભીત રિયાના માતાપિતા આખો દિવસ પોતાના ઘરમાં જ ભરાઈ રહેવા મજબૂર હતા. સંધ્યા ચક્રવર્તીએ એમ પણ કહ્યું હતું કે, છેલ્લે જ્યારે રિયાના પિતા ઈડીની ઓફિસમાં પૂછપરછ માટે ગયા હતા, ત્યારે તેમને પણ ધક્કે ચઢાવાયા હતા. હવે તો સ્થિતિ એવી છે કે ઘરની ડોરબેલ વાગે તો પણ ફફડી જવાય છે. ઘણીવાર રિપોર્ટર્સ સીબીઆઈ અધિકારીની ઓળખ આપીને કે પછી પાડોશી હોવાનું કહી ઘરમાં ઘૂસી જાય છે. ખુદની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હવે તો દરવાજાની બહાર સીસીટીવી કેમેરા પણ નખાવવા પડ્યા છે.

(7:37 pm IST)