Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

શું ડેન્ગ્યુની રસી ડામી શકે છે કોરોના ?

તાવ, શરીરનો દુખાવો, સાંધાનો દુખાવો જેવા લક્ષણો કોરોના અને ડેન્ગ્યુમાં સમાન

રાજકોટ તા. ૭ : ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે લોકોમાં ટેસ્ટ કરાવવા બાબતે કેટલીક શંકા, ભય બંને ઘર કરી ગયું છે તેવામાં તંત્ર દ્વારા પણ ટેસ્ટ ઇઝ બેસ્ટ વાતને લઈને લોકોને ટેસ્ટ કરાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે અને અનેક જગ્યાએ ટેસ્ટ બુથ ઉભા કરીને વધુમાં વધુ ટેસ્ટ થાય તે માટે જહેમત ઉઠાવી રહ્યું છે. મેડિકલ નિષ્ણાંતો માટે એક તરફ કોરોના છે તો બીજી બાજુ ડેંગ્યુનો ડર પણ સતાવી રહ્યો છે. ડેંગ્યુ મચ્છરથી ફેલાય છે અને આ મચ્છર દિવસે જ કરડતા હોવાનું જાણવા મળ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડેંગ્યુ અને કોરોના વાયરસના ઘણાં લક્ષણો સમાન છે. જેમ કે તાવ આવવો, શરીરના સ્નાયુ અને સાંધાનો દુઃખાવો, માથામાં દુઃખાવો વગેરે લક્ષણો ડેંગ્યુ અને કોરોના વાયરસના કેસમાં સમાન જોવા મળી રહ્યા છે.

બધાને ખબર જ છે કે કોરોના વાયરસ ચેપી રોગ છે. સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવવાથી, તેના સ્પર્શથી, તેને છીંક અથવા ઉધરસ આવે ત્યારે કોરોના વાયરસના ડ્રોપલેટ્સ હવામાં ફેલાઈ જાય છે અને સપાટી પર પણ રહી શકે છે. આ રીતે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય છે. તે ફેલાતુ રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે. જયારે ડેન્ગ્યુ તાવ એક વાયરલ બીમારી છે. ડેંગ્યુ તાવ માદા એડિસ-ઈજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે અને આ મચ્છરો દિવસે જ કરડે છે. ચેપી મચ્છર કરડે તેના પાંચથી છ દિવસ પછી આ રોગ થાય છે.

ડેંગ્યુના દર્દીઓમાં શરીરના પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડો નોંધાય છે જયારે કોરોના વાયરસના દર્દીઓમાં આ પ્રકારની સમસ્યા જોવા મળતી નથી. કોરોના વાયરસના દર્દીઓમાં સૂકું ગળું અને સ્વાદ પારખવાની શકિત ગુમાવવી જેવા લક્ષણ જોવા મળે છે જે ડેંગ્યુના દર્દીમાં જોવા મળતા નથી. એક ઈન્ટરનેશનલ રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દર્દીને અગાઉ ડેંગ્યુ થયો હતો તેના શરીરમાં એ પ્રકારના એન્ટિબોડી મળી આવ્યા છે જે કોરોના વાયરસના સંક્રમણની સામે રક્ષણ આપી શકે છે. જયારે અન્ય એક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડેંગ્યુની વેકિસન સુરક્ષિત અને અસરકારક છે. જેનાથી રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે અને ભવિષ્યમાં કોરોના જેવા વાયરસ પર કાબૂ મેળવવામાં મદદ મળે છે.

(3:46 pm IST)