Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રિયા જેલમાં યોગા કરતીઃ જેલનું જ જમવાનું લેતીઃ હિંમતથી દિવસો પસાર કર્યા

જેલવાસની સ્ટોરી જાહેર કરતાં વકિલ

મુંબઇ, તા.૮: એક મહિનો જેલમાં વિતાવ્યા બાદ આખરે બુધવારે બોમ્બે હાઈકોર્ટે ૧ લાખ રૂપિયાના બોન્ડ પર એકટ્રેસ રિયા ચક્રવર્તીને જામીન આપ્યા છે. ભાયખલા મહિલા જેલમાંથી છૂટીને રિયા ચક્રવર્તી ઘરે પહોંચી તેના કલાકો પછી એક ન્યૂઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન એકટ્રેસના વકીલે તેને 'બંગાળી ટાઈગરેસ' ગણાવી છે. રિયા ચક્રવર્તીએ જેલમાં કેવી રીતે સમય વિતાવ્યો તે વિશે પણ વકીલ સતીશ માનેશિંદેએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, જેલમાં રિયા સાથી કેદીઓને યોગ શીખવતી હતી અને તેમની સાથે એક સામાન્ય વ્યકિતની જેમ જ રહેતી હતી.

સતીશ માનેશિંદેના કહેવા મુજબ રિયાના હાલચાલ જાણવા તેઓ પોતે પણ ભાયખલા જેલની મુલાકાત લેતા હતા. સતીશ માનેશિંદેએ કહ્યું, 'ઘણા વર્ષો પછી હું જેલમાં મારા કોઈ અસીલને અંગત રીતે મળવા પહોંચ્યો હતો. રિયાને દ્યેરવામાં આવી હતી અને બધા હાથ ધોઈને તેની પાછળ પડ્યા હતા માટે જ તેની સ્થિતિ જાણવા હું જેલ પહોંચ્યો હતો. રિયાએ પોતાને સંભાળી લીધી હતી એ જોઈને મને હાશકારો થયો હતો. તેણે જેલમાં પોતાની કાળજી લીધી હતી. જેલમાં તે યોગ કરતી હતી અને સાથી કેદીઓને પણ શીખવતી હતી.'

રિયાએ જેલમાં વિતાવેલા દિવસો વિશે આગળ વાત કરતાં સતીશ માનેશિંદેએ કહ્યું, 'અન્ય કેદીઓને જેમ રિયા જેલમાં ગોઠવાઈ ગઈ હતી અને મહામારીના કારણે તેના માટે દ્યરેથી ભોજન મોકલવું પણ શકય નહોતું. જેલમાં બાકીના કેદીઓની સાથે સામાન્ય વ્યકિતની જેમ જ રહેતી હતી. આર્મી પરિવાર અને તેવા વાતાવરણમાંથી આવતી હોવાથી રિયા હિંમત ના હારી. તેણે યુદ્ઘ જેવી સ્થિતિ જોઈ છે ત્યારે હવે તે લડવા માટે તૈયાર છે. તેની સામે આરોપ મૂકનારા કે તેના હિતને નુકસાન પહોંચાડવા મથતા દરેક વ્યકિતનો સામનો કરવા તૈયાર છે.'

તો આ તરફ બોમ્બે હાઈકોર્ટે કડક શરતો સાથે રિયા ચક્રવર્તીના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે ૧૦ દિવસ સુધી નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની સૂચના આપી છે. રિયા મુંબઈ નહીં છોડી શકે અને તેનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં બહાર આવેલા ડ્રગ્સ એંગલમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોએ તપાસ બાદ રિયા ચક્રવર્તીની ૮ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી.

(3:45 pm IST)