Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

નવરાત્રીમાં નવે નવ સ્વરૂપોની વાસ્તુ શાસ્ત્ર મુજબ પુજા કરવાથી અનેકગણો લાભ મળે

(સુરેશ ડુગ્ગર) જમ્મુ તા. ૮ : આ વખતે નવરાત્રી તહેવાર વાસ્તુ સાથે મનાવવાથી સુનામાં સુગંધ ભળ્યાનો માહોલ જામશે. આ માટે બસ માતાજીના નવ સ્વરૂપો ધ્યાને લઇ તેમની પુજા અર્ચના કરવાની છે.

પ્રથમ નોરતુ શૈલપુત્રી અર્થાત પર્વત પુત્રી માં પરામ્બા દુર્ગાજીનું ગણાય. પ્રથમ શકિત માં શૈલપુત્રી છે. જે સાક્ષાત ધર્મ સ્વરૂપા છે. પ્રથમ દિવસે ધર્મને ઉત્પન કરવા શૈલપુત્રીની આરાધના કરવામાં આવ છે. તેમની ઉપાસના દક્ષિણ-પશ્ચિમની મધ્યમાં થાય છે. પ્રથમ નોરતે શુધ્ધ ઘી ચડાવવાથી આરોગ્યના આશીર્વાદ મળે છે.

બીજા નોરતે બ્રહ્મચારીણીની પુજા થાય છે. માં બ્રહ્મચારીણી માતા યોગ શકિત છે. તેઓ મંત્રોના અધિષ્ઠાતી દેવી છે. તેમના હાથમાં અસ્ત્ર શસ્ત્ર નથી હોતા. ફકત મંત્ર શકિતથી તેમને અભિમંત્રીત કરવામાં આવે છે. તેમનો જાપ ઉત્તર પૂર્વ દીશામાં બેસીને કરવાથી વધુ ફાયદો રહે  છે. તેમને સાકર ધરાવવામાં આવે છે.

ત્રીજા નોરતે માં ચન્દ્રઘટાની પૂજા થાય છે. જેમના મસ્તક પર ઘટ આકારનો અર્ધચંદ્ર હોય છે. આ દેવી નાદ બ્રહ્મ અને સ્વર (ઇંડા, પીંગલા અને સુષુમ્ના) ની દેવી છે. મહિષાસુર વધના સમયે ચન્દ્રઘન્ટાના ઘન્ટના ધ્વનિથી મહીસાસુરની અડઘી સેના નષ્ટ પામી હતી. સાહિત્ય, સંગીત અને કલાપૂર્ણ થવા માટે આ શકિતની આરાધના કરવામાં આવ છે. તેમને રીજવવા દક્ષિણ - પૂર્વ દિશામાં મંત્ર જાપ કરવામાં આવે છે.

ચોથા નોરતે કુષ્માન્ડાની પૂજા થાય છે. જે સર્જન હેતુ ચતુર્થરૂપે પ્રગટ થયા હતા. તેમના પેટમાં સંપૂર્ણ સંસાર સમાયેલો  છે. માં કુષ્માન્ડા સમગ્ર સંસારનું ભરણ પોષણ કરે છે. તેમને માલપુવા ધરાવવામાં આવે છે.

પાંચમા નોરતે સ્કન્દમાતાની પુજા થાય છે. જેઓ કુમાર કાર્તિકના માતા છે. સ્કન્દમાતા પોતાના પુત્રના નામથી જ ઓળખાય છે. ભગવાન શંકર અને સ્કન્દમાતાની કૃપાથી જ સ્વામિ કાર્તિક દેવી દેવાતાઓના સેનાપતિ બન્યા હતા.

છઠ્ઠા નોરતે કાત્યાયનીમાંની પુજા થાય છે. જે શકિતનું એક રૂપ છે. તેમણે ચારેય હાથમાં તલવાર ધારણ કરેલી હોય છે. પુરાણોમાં કહેવાયુ છે કે ઋષિ કાત્યાયનના નામ પરથી તેમના ષષ્ટમ રૂપનું નામ કાત્યાયની દેવી રાખવામાં આવ્યુ. તેઓ યજ્ઞ-હવનના રક્ષક મનાય છે. અન્ન અને ધનની અધિષ્ઠાત્રિ દેવી છે.  તેમને મધનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

સાતમાં નોરતે માં કાલરાત્રીની પુજા થાય છે. તેમના એક હાથમાં ચંદ્રહાસ અને બીજા હાથમાં અસુરનુ કપાયેલુ મસ્તક જોવા મળે છે. તેમની આરાધના કરવાથી ઇચ્છાપૂર્તી થાય છે. તેમના જાપ દક્ષિણ દિશામાં બેસીને કરવાથી લાભ મળે છે.

આઠમા નોરતે મહાગૌરીની પુજા થાય છે. માં દુર્ગાની આઠમી શકિત મહાગૌરી છે. તેઓ અષ્ટમસિધ્ધ છે. તમામ શકિતઓનો સમન્વય તેમનાથી થાય છે. તેઓ દામ્પત્ય જીવનના અધિષ્ઠાત્રી દેવી મનાય છે. તેમની આરાધના કરવાથી આયુ, આરોગ્ય, ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. તેમના જાપ દક્ષિણ-પશ્ચિમ દિશામાં બેસીને કરવામાં આવે છે.

આ સાથે નવમા નોરતે દુર્ગાષ્ટમીની પુજા કરવામાં આવે છે. આમ નવે નવ નોરતા શકિતના જુદા જુદો સ્વરૂપોની પુજા કરવામાં આવે છે.

(3:43 pm IST)