Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

કોરોના વાયરસનો ઇલાજ છે REGN-Cov2 દવા

હું આ દવાથી સાજો થયો અમેરિકામાં વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે

વોશિંગ્ટન તા. ૮ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત હોવાની વાત સામે આવી ત્યારે આખી દુનિયા ચોંકી ગઈ હતી. જો કે, ત્યારબાદ ટ્રમ્પે દુનિયાને અચંબિત કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. પહેલા તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા અને લગભગ ચાર દિવસ સુધી રહ્યા. એટલું જ નહીં પછી વ્હાઈટ હાઉસમાં પરત ફર્યા અને આવીને લોકોને કહ્યું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. જો કે, અહેવાલો હતા કે ટ્રમ્પને તાવ હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. તેમ છતાં તેમણે કોરોનાથી ન ડરવાની વાત કરી હતી. હવે ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેમને આપવામાં આવેલી દવાઓમાંથી સૌથી અસરકારક જે દવા રહી તેને તેઓ અમેરિકામાં મફતમાં ઉપલબ્ધ કરાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે એક વિડીયો ટ્વિટ કરીને જણાવ્યું કે, બીજી દવાઓની સાથે તેમને Regeneron REGN-COV2 નામની દવા અપાઈ હતી. ટ્રમ્પના કહેવા મુજબ, આ દવા સૌથી અસરકારક હતી અને આ દવા લીધા પછી તબિયત સારી થઈ હતી. ટ્રમ્પે એમ પણ કહી દીધું કે, તેમના મતે તો આ દવા જ કોરોના માટે અકસીર છે. ટ્રમ્પનું કહેવું છે કે, તેમને કોરોના થયો તે ભગવાનના આશીર્વાદ હતા, જેના કારણે જ તેઓ આ દવા વિશે જાણી શકયા અને પોતાની સારવારમાં ઉપયોગમાં લીધી. હવે તેઓ અમેરિકામાં આ દવા મફતમાં ઉપલબ્ધ કરાવશે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પને આપવામાં આવેલી એકસપરિમેન્ટલ એન્ટીબોડી દવાને કોવિડ-૧૯ સંક્રમણ સામે લડવામાં સૌથી અસરકારક પૈકીની એક માનવામાં આવી રહી છે. આ દવા બનાવનારી ફાર્મા કંપની Regeneron ફાર્માસ્યુટિકલસનું કહેવું છે કે, કંપનીએ IV દ્વારા ખાસ જોગવાઈઓનું પાલન કરીને ટ્રમ્પને આ દવાનો એક ડોઝ આપ્યો હતો. હકીકતે, હજી આ દવા પર સંશોધન ચાલી રહ્યું છે પરંતુ તેને ઈમર્જન્સીમાં ઉપયોગ કરવાની છૂટ અપાઈ છે. ઈન્ફેકશનને ફેલાતું રોકવા અને સારવાર માટે આ દવા વપરાય છે.

આ પહેલા કંપનીએ જણાવ્યું હતું કે, ૨૭૫ દર્દીઓ પર કરેલા અભ્યાસ અનુસાર, આ દવાની મદદથી લક્ષણોનો સમય ઘટાડી શકાયો અને દર્દીઓના શરીરમાંથી વાયરસને પણ ઓછો કરી શકાયો. જો કે, આ સ્ટડી એવા દર્દીઓ પર થયું હતું જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી. જો કે, હજી સુધી રિસર્ચ પૂરું નથી થયું માટે તેના તારણો કયાંક પ્રકાશિત કરાયા નથી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સારવારમાં Regeneron REGN-COV2 સિવાય પણ બીજી દવાઓનો ઉપયોગ થયો હતો. ટ્રમ્પના ફિઝિશિયન ડો. શોન કોનલીએ જણાવ્યું કે, તેમને એન્ટી વાયરલ દવા રેમડેસિવિર મિલિટરી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રમ્પને ઝિંક, વિટામિન ડી, એન્ટેસિડ ફેમોટાઈડીન, મેલાટોનિન અને એસ્પિરિન પણ આપવામાં આવી હતી. જો કે, આમાંથી કોઈની પણ સચોટ અસર હાલ કોરોના વાયરસ પર જોવા મળી નથી.

(3:41 pm IST)