Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પુત્રવધુને ૨.૫ કરોડ આપ્યા બાદ ITના રડારમાં આવ્યો પોપ્યુલર બિલ્ડર પરિવાર

પોપ્યુલર બિલ્ડરના મોનાંક પટેલ અને રમણ પટેલ સામે પુત્રવધૂએ થોડા દિવસ અગાઉ ઘરેલું હિંસાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાઈ હતીઃ ત્યારે આરોપીઓ દ્વારા કેસ રફેદફે કરવા ૨.૫ કરોડની લાલચ આપી હોવાની ફરિયાદ પણ પુત્રવધુએ કરી હતી

અમદાવાદ, તા.૮: પુત્રવધૂને ત્રાસ આપવાના પોપ્યુલર બિલ્ડર પરિવારના કેસમા નવા નવા વળાંકો આવી રહ્યાં છે. હવે ઈન્કમટેકસ વિભાગ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. મોડી રાતથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં રમણ પટેલ, વિરેન્દ્ર પટેલ, દશરથ પટેલના ત્યાં ઈન્કમ ટેકસના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું છે.

પોપ્યુલર બિલ્ડરના મોનાંક પટેલ અને રમણ પટેલ સામે પુત્રવધૂએ થોડા દિવસ અગાઉ ઘરેલું હિંસાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યારે આરોપીઓ દ્વારા કેસ રફેદફે કરવા ૨.૫ કરોડની લાલચ આપી હોવાની ફરિયાદ પણ પુત્રવધુએ કરી હતી. ત્યારે ૨.૫ કરોડની રોકડ રકમની ફરિયાદ બાદ ઇન્કમટેકસ વિભાગના રડારમાં આવ્યું હતું. પોપ્યુલર બિલ્ડર, ઇન્કમટેકસ વિભાગ હાલ સર્ચ ઓપરેશનમાં દસ્તાવેજો અને કોમ્પ્યુટરની તપાસ કરી રહ્યા છે. પોપ્યુલર બિલ્ડરના બેંક લોકર્સની પણ ઈન્કમટેકસ વિભાગ તપાસ કરશે.

IT વિભાગે અમદાવાદમાં અંદાજે ૨૫ જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, આ સમાચાર અન્ય બિલ્ડર્સમાં વાયુવેગે ફેલાતાં અન્ય બિલ્ડરોમાં હાલ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને દ્યરે આઈટીએ દરોડા પાડ્યા છે. પોપ્યુલર બિલ્ડરના મૌનાંગ પટેલ સિંધુ ભવન રોડ ઉપર એસબીઆર ફૂડ કોર્ટ ધરાવે છે, જેના ભાડાની મહિને લાખોની આવક છે. તેની બાજુમાં મૌનાંગની વૈભવી ઓફિસ આવેલી છે.

મોનાંગ પટેલની પત્નીએ પોતાને માર મારી ત્રાસ ગુજારનાર ત્રણ સાસરિયા અને પોતાના પિતા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, મારા સાસરીવાળા મારી પાસેથી દહેજની માંગની કરીને મને ત્રાસ આપતા હતા. ત્યારે અમદાવાદના હાઈપ્રોફાઈલ કેસમા વધુ એક વળાંક આવ્યો હતો. રમણ પટેલ દ્વારા પુત્રવધુ ફિઝુ અને માતા જાનકી પટેલને સમાધાન માટે બોલાવામાં આવ્યા હતા. જયાં બળજબરીપૂર્વક સમાધાનના કાગળો પર સહી કરાવવામાં આવી હતી અને અઢી કરોડ આપવામાં આવ્યા હતા. તેમજ ફિઝુ પટેલ અને જાનકી પટેલનુ અપહરણ કરીને તેઓને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે સમાધાન માટે બળજબરી કરી હતી. ફિઝુબેન અને જાનકીબેનના આપેલા અઢી કરોડ રૂપિયા જાનકીબેનના બહેન નિમાબેન પાસેથી મળ્યા હતા. નિમાબેન નારણપુરામાં રહે છે. જેમની પાસેથી પોલીસને અઢી કરોડ રૂપિયા મળ્યા હતા.

(3:40 pm IST)