Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આતંકી ખતરા વચ્ચે કાશ્મીરમાં યોજાશે પંચાયતોની ચુંટણી

પ્રદેશમાં પંચો અને સરપંચોની મળીને કુલ ૩૭૮૮૨ બેઠક : ચુંટણી પંચ દ્વારા ૧૨૧૬૮ પંચો અને ૧૦૮૯ સરપંચોની ચુંટણી કરવા આદેશ

જમ્મુ તા. ૮ : પંચાયત પ્રતિનિધિઓ ઉપર વધી રહેલ ખતરા વચ્ચે ચુંટણી પંચે પંચ અને સરપંચની ખાલી પડેલ જગ્યાઓ માટે ચુંટણી કરવાની જાહેરાત કરી છે. ૨૦૧૮ માં આતંકી ધમકીના કારણે નહીં ચુંટાયેલા અથવા તો આતંકી ધમકીઓના કારણે રાજીનામા અપાયેલ પદો માટેની આ ચુંટણી માટે એકાદ બે દિવસમાં જ તારીખો જાહેર કરવામાં આવનાર છે.

પ્રદેશમાં પંચો અને સરપંચોની મળીને કુલ ૩૭૮૮૨ બેઠક છે. જેમાં ૪૨૯૦ સરપંચ અને ૩૩૫૯૨ પંચની બેઠક છે. ડીસેમ્બર ૨૦૧૮ માં જયારે ચુંટણી થઇ ત્યારે ૧૨૨૦૯ બેઠકો પર આતંકી ખતરાના કારણે મતદાન થઇ શકયુ નહોતુ. હવે ચુંટણી પંચે તેમાંથી ૧૨૧૬૮ પંચો અને ૧૦૮૯ સરપંચોની ચુંટણી કરવા આદેશો જારી કર્યા છે.

જો કે આતંકી ખતરો હજુએ ટળ્યો નથી. પંચાયત પ્રતિનિધિનું પદ મેળવવું એટલુ આસાન નથી. ગત ૨૦૧૮ ની સાલની વાત કરીએ તો ૨૨ પંચ-સરપંચની હત્યાઓ થઇ ગઇ હતી.

આ વર્ષે પંચાયત પ્રતિનિધિઓને વીમા કવર કરવાની હૈયાધારાણા અપાઇ છે. કડક સુરક્ષા માટેની માંગણીઓ ઉઠાવાઇ છે. ત્યારે એક વખત ફરી સરપંચોનું લોકતંત્ર સ્તંભ ખતરો ખેડવા જઇ રહ્યુ છે.

(2:57 pm IST)