Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોરોના પછી ચીનને નફરત કરવા લાગ્યું છે વિશ્વ

૧૪ મોટા દેશોમાં કરાયેલ સર્વેનું તારણ

નવી દિલ્હી તા. ૮ : સારી અર્થવ્યવસ્થાવાળા લોકશાહી દેશો ખાસ કરીને ઓસ્ટ્રેલીયા અને બ્રિટનની જનતામાં ચીનની છબી નકારાત્મક બની રહી છે. આ વાત 'પ્યુ રિસર્ચ સેન્ટર'ના એક સર્વેક્ષણમાં બહાર આવી છે. ચીન પોતાના ઘણા પાડોશી અને અન્ય દેશો સાથે ધંધાકીય અને રાજકીય વિવાદોમાં ઘેરાયેલું છે અને આક્રમક વલણ રાખી રહ્યું છે. આ સર્વેના પરિણામો મંગળવારે જાહેર થયા હતા.

સર્વેક્ષણ ઉચ્ચ અર્થવ્યવસ્થાવાળા ૧૪ લોકશાહી દેશોમાં ૧૦ જૂનથી ૩ ઓગસ્ટ દરમિયાન કરાયું હતું. તેમાં ફોન દ્વારા ૧૪ દેશોના ૧૪૨૭૬ લોકો સાથે વાતચીત કરાઇ હતી. સર્વેમાં ભાગ લેનાર મોટાભાગના લોકોનો મત ચીન પ્રત્યે નકારાત્મક છે. સર્વેમાં ભાગ લેનારા ૮૧ ટકા લોકો ચીન પ્રત્યે નકારાત્મક વિચાર ધરાવે છે. ગયા વર્ષે આ આંકડો ૨૪ ટકા હતો.

કોરોના મહામારી પછી ઓસ્ટ્રેલીયાએ ચીનમાં વાયરસના ઉત્પન્ન થવા બાબતે તપાસની માંગણી કરી હતી, ત્યાર પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડ પડી છે. બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધોમાં પણ તણાવ ચાલી રહ્યો છે. આ સર્વે અમેરિકા, કેનેડા, બેલ્જીયમ, ડેન્માર્ક, ફ્રાંસ, જર્મની, ઇટલી, નેધરલેન્ડ, સ્પેન, સ્વીડન, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, જાપાન અને દક્ષિણ કોરીયામાં કરાયું હતું. ચીન પ્રત્યે નકારાત્મક વલણ રાખવા પાછળનું મુખ્ય કારણ કોરોના વાયરસ છે અને મોટાભાગના લોકો ચીનની વાયરસ સામે લડવાની રીત સાથે સહમત નથી. આ સર્વેમાં એ પણ સામે આવ્યું કે, ટ્રમ્પની છબી પણ અત્યંત ખરાબ છે અને ૮૩ ટકા લોકોનું કહેવું છે કે તેઓ ટ્રમ્પ પર વિશ્વાસ નથી મુકતા. બીજી બાજુ ચીનમાં લઘુમતીઓ સાથે કરવામાં આવતા વર્તનની લગભગ ૪૦ દેશોએ ટીકા કરી અને હોંગકોંગમાં તેના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનની માનવાધિકારો પર પડનારી અસર બાબતે ગંભીર ચિંતા વ્યકત કરી હતી. આ દેશોમાં મોટાભાગના પશ્ચિમી દેશો છે અને તેમણે ખાસ કરીને શિન જીયાંગ અને તિબેટમાં લઘુમતિ સમાજ સાથે કરાઇ રહેલા વહેવાર અંગે સવાલો ઉઠાવ્યા છે.

(2:57 pm IST)