Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અભિવ્યકિતની આઝાદીનો સૌથી વધુ દુરૂપયોગઃ સુપ્રિમ

તબલીગી જમાત પર 'ફેક ન્યુઝ'ને લઇને સુપ્રિમ કોર્ટની મહત્વની ટિપ્પણી

નવી દિલ્હી તા. ૮: તબ્લીગી જમાત સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, હાલના સમયમાં અભિવ્યકિતની આઝાદીનો સૌથી વધુ દુરૂપયોગ થઇ રહ્યો છે. આ અરજીઓમાં તબ્લીગી જમાત વિરૂદ્ધ ફેક ન્યુઝ પ્રસારિત કરવા અને નિઝામુદ્દીન મરકઝ ઘટનાને સાંપ્રદાયિક સ્વરૂપ આપવાનો આરોપ લગાવી ટીવી ચેનલો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

ચીફ જસ્ટીસના નેતૃત્વવાળી પીઠે કેન્દ્ર તરફથી દાખલ સોગંદનામા પર આકરી ટિપ્પણી કરીને કહ્યુ હતું કે, આને કોઇ જુનિયર અધિકારીએ ફાઇલ કરેલ છે. ચીફ જસ્ટીસે સોલીસીટર જનરલને કહ્યુ હતું કે, તમે આ કોર્ટની સાથે આ પ્રકારનો વ્યવહાર કરી ન શકો. સોગંદનામુ એક જુનિયર ઓફિસરે દાખલ કર્યું છે અને જે ગોળ-ગોળ છે અને ખરાબ રિપોર્ટીંગની કોઇ ઘટના પર પ્રતિક્રિયા નથી.

અરજી કરનાર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે, સરકારે કહ્યું છે કે આમાં અભિવ્યકિતની આઝાદી સામેલ છે. જે મામલે ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, હાલના સમયમાં અભિવ્યકિતની સ્વયંત્રતા એ આઝાદીઓમાંથી એક છે જેનો સૌથી વધુ દુરૂપયોગ થાય છે. જમીયત ઉલેમા એ હિન્દ, પીસ પાર્ટી, ડીજે હલ્લી ફેડરેશન ઓફ મસ્જિદ મદારિસ, વકફ ઇન્સ્ટીટ્યુટ અને અબ્દુલ લશ્કર તરફથી દાખલ અરજીઓમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે મીડિયાનું રિપોર્ટીંગ એકતરફી છે અને મુસ્લિમ સમુદાયનું ખોટુ ચિત્રણ કરવામાં આવી રહ્યું છે.

(2:50 pm IST)