Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આ વર્ષે લગ્નના ફકત ૫ મુહૂર્ત જ છે બાકીઃ પછી લગ્ન માટે એપ્રિલ સુધી જોવી પડશે રાહ

ભોપાલ,તા.૮:કોરોના સંકટના લીધે ૨૦૨૦ તમામ માટે ખરાબ વર્ષ રહ્યું છે. કોરોના મહામારીના લીધે મોટાભાગના ધાર્મિક કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યા છે. કોરોનાના લીધે દ્યણા યુવક-યુવતિઓના લગ્ન રોકવા પડ્યા તો કોઇએ દ્યરમાં રહીને લગ્ન કરી લીધા. હવે આગામી દિવસોમાં લગ્નના મુહૂર્તને લઇને જે યોગ બની રહ્યા છે. તે ઠીક છે. વર્ષ ખતમ થવામાં ૮૫ દિવસ બાકી છે અને એવામાં ફકત લગ્નના ૫ જ મુહૂર્ત છે.

પંચાગની વાત કરીએ તો આગામી નવેમ્બર મહિનામાં ૨ શુભ મુહૂર્ત છે. પહેલું મુહૂર્ત ૨૫ના રોજ અને બીજું ૩૦ નવેમ્બરના રોજ રહેશે. વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરમાં ત્રણ મુહૂર્ત રહેશે જે ૭, ૯ અને ૧૧ ડિસેમ્બરનાર રોજ રહેશે. આ મુજબ જોવા જઇએ તો વર્ષના બાકી દિવસોમાં ફકત ૫ દિવસ જ લગ્નની શરણાઇ ગુંજશે. આગામી લગ્ન યોગ માટે યુવક-યુવતિઓને એપ્રિલ સુધી લાંબી રાહ જોવી પડશે.

પંડિતોનું કહેવું છે કે ૨૦૨૦માં લગ્નના ઓછા મુહૂર્ત રહ્યા છે અને ઉપરથી કોરોનાએ તમામની કમર તોડી નાખી છે. લગ્નના કાર્યક્રમો સાથે જોડાયેલા પંડિત, રસોયા, બેંડબાજા,હોટલ, ધર્મશાળા, ટેન્ટ હાઉસવાળા, લાઇટિંગવાળા વગેરે તમામ વ્યવસાયવાળા આર્થિક સંકટમાં છે. આગામી દિવસોમાં લગ્નના બુકિંગ અત્યારથી શરૂ થઇ ગયા છે. આગામી દિવસોમાં ઓછા મૂહૂર્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

(11:50 am IST)