Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

દેવદિવાળી પછી લગ્નો-શુભ પ્રસંગોના શ્રીગણેશ થશે

૨૦૨૧ના કુલ ૧૨ પૈકી ૮ મહિનામાં ૫૧ શુભ મુહૂર્ત

સરકારના નીતિ-નિયમો સાથે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી ધમધમશે.. કોરોનાથી કરોડોનું નુકસાનઃ અનલોક-૫નો ઇંતજાર : ૨૦૨૦માં-૯, ૨૦૨૧માં ૫૧ મુહૂર્ત : શહેનાઇનો કર્ણપ્રિય ગુંજારવ ગુંજશે

વડોદરા,તા. ૮:કોરોના કહેર વચ્ચે દેવદિવાળી પછી લગ્નોની શહેનાઇનો કર્ણપ્રિય ગુંજારવ ગુંજશે. અલબત્ત્।, છેલ્લા ૭ મહિનાથી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝનો દાટ વળી ગયો હોઇ તેની ઉપર નભતા હજારો પરિવારોની હાલત કફોડી થઇ છે.

કોરોના કહેર વચ્ચે સંક્રમણના ડરનો માહોલ યથાવત હોઇ લગ્નો સહિતના શુભપ્રસંગો યોજવા માટે સમાજમાં અસમંજસ જારી છે. અલબત્ત્।, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝેશન, સરકારના નીતિ-નિયમો સાથે લગ્નો તો યોજાશે. દેવદિવાળી પછી નવેમ્બરમાં ૪ જયારે ડિસેમ્બરમાં લગ્ન માટે માત્ર ૫ શુભમુહૂુર્ત છે. જયારે, સન ૨૦૨૧ના ૧૨ પૈકી ૮ મહિનામાં ૫૧ મુહૂર્ત છે. જે માટે ઇન્કવાયરીના શ્રીગણેશ શરુ થયા છે.

કોરોના કહેર વચ્ચે કોમ્યુનિટીહોલ, કલબહાઉસ, અતિથીગૃહો, બેન્કવેટ હોલ, ટુ-સ્ટારથી ફાઇવ સ્ટાર હોટલ્સ, પાર્ટી પ્લોટ્સ, સમાજની વાડીઓ-લોન, ડેેસ્ટીનેશન મેરેજ તેમજ ઇવેન્ટ માટે આગોતરી ઇન્કવાયરીનો દોર શરુ થયો છે. ગણગોર કેટરર્સના મહાવીરસિંહ રાજપુરોહિત તેમજ શિવમ્ ડેકોરેટર્સના યોગેશ એમ પટેલે ઉલ્લેખ્યું હતું કે શુભપ્રસંગો પર કેટરર્સ, ફરાસખાના, લાઇટ ડેકોરેશન, સાઉન્ડસિસ્ટમ, ફ્લાવરિંગ, ટેલર્સ, ફોટોગ્રાફર્સ, બેન્ડ-વાજા, બગ્ગી, બ્યુટીપાર્લર, જવેલર્સ, ડિઝાઇનર, મહેંદી રસમ, ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ, મ્યુઝિકલ પાર્ટી, હોટલ બિઝનેસ સહિત અનેક સંલગ્ન વ્યવસાયના હજારો પરિવારો નભે છે. પરંતુ સન ૨૦૨૦ના ૭ મહિનામાં કોરોના કહેરે ધંધો-રોજગાર ઠપ્પ કરી દેતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

હવે દેવદિવાળી પછી શુભપ્રસંગોના શ્રીગણેશ થશે એ પૂર્વે ઇન્કવાયરી કરનારાઓ કેટરર્સ તેમજ ડેકોરેટર્સને સામેથી એમ પૂછે છે કે તમને શું લાગે છે ? લગ્ન-શુભપ્રસંગ યોજવા જોઇએ કે નહિં ? સરકારના નીતિ-નિયમો પાળવા માટે કેવી વ્યવસ્થા કરશો ? તેનો ખર્ચો કેટલો થશે ? એવા અસંખ્ય પ્રશ્નોની ઝડી પણ વરસાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ મહિનાથી લોકડાઉન અમલી બન્યા બાદ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને પણ તાળા વાગી ગયા હતા. આખરે આઠ મહિનાના ગાળા બાદ ફરી શરૂ થતાં તેમાં રાહતના પ્રાણ ફૂંકાશે.

લગ્નો-શુભપ્રસંગો યાદગાર રહે એ માટે યજમાનો મોટે ભાગે ખર્ચાની પરવા કરતા નથી. તેઓ અવનવી મીઠાઇઓ તેમજ ડેકોરેશન માગે છે. જેથી વિવિધ દેશોની ટેકનોલોજીની મદદ પણ લેવામાં આવે છે. શહેરમાં અંદાજે ૩૦૦ કેટરર્સ તેમજ ૨૦૦ ડેકોરેટર્સ છે.

સન ૨૦૨૦ના નવેમ્બર મહિનામાં લગ્નો તેમજ શુભ પ્રસંગો માટે તા.૨૫, ૨૭, ૨૯ અને ૩૦ના રોજ શુભ મુહૂુર્ત છે. જયારે, ડિસેમ્બરમાં તા.૧, ૭, ૯, ૧૦ તેમજ તા.૧૧ના રોજ શુભમુહૂુર્ત છે.

સરકાર દ્વારા અનલોક-૫ની જાહેરાત તા.૧૫મી ઓકટોબરે કરાનાર છે. જેમાં વિશેષ કેવી અને કેટલી રાહત મળે છે. તેની ઉપર સમાજની બાજ નજર છે. (૨૨.૧૦)

૨૦૨૧ના ૧૨ પૈકી ૮ મહિનામાં ૫૧ શુભમુહૂર્ત

. જાન્યુઆરી તા.૧૮,

.ફેબ્રુઆરી- તા.૧૫, ૧૬,

.એપ્રિલ- તા.૨૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦,

.મે-૧,૨,૭,૮,૯,૧૩,૧૪,૨૧, ૨૨,૨૩,૨૪,૨૬,૨૮,૨૯,૩૦,

.જુન- ૩,૪, ૫, ૨૦, ૨૩,૨૪

.જુલાઇ-૧, ૨, ૭, ૧૩, ૧૫,

.નવેમ્બર-૧૫, ૧૬, ૨૦, ૨૧, ૨૮, ૨૯, ૩૦,

.ડિસેમ્બર- ૧, ૨, ૩, ૭, ૧૧, ૧૩

(11:49 am IST)