Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ચેતવણી :સીઝનલ વાયરલ ઈન્ફેકશન- કોરોનાના કેટલાક લક્ષણો સમાનઃ જાતે દવા લેવાનું ટાળવું

સીઝનલ ઈન્ફેકશન અને કોરોના વાયરસના લક્ષણો એક જેવા છે. જેના કારણે દર્દીઓ મૂંઝવણમાં મૂકાઈ જાય છેઃ આવી સ્થિતિમાં નિષ્ણાતોએ જાતે સારવાર ન કરવાની સલાહ આપી છે

નવી દિલ્હી,તા. ૮:અમદાવાદ સહિત રાજયભરમાં કોરોનાના કેસ વધ્યા છે. આ ખતરનાક વાયરસે કેટલાય લોકોનો ભોગ પણ લીધો છે. બીજી તરફ સવારે ઠંડી, બપોરે ગરમી જેવી બેવડી ઋતુના કાપણે સીઝનલ વાયરલ ઈન્ફેકશન, વાયરલ તાવ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓ પણ વધી છે. આ તમામ બીમારીઓના લક્ષણ મહદઅંશે કોરોના જેવા હોય છે. જેના કારણે કેટલાક દર્દીઓમાં ભ્રમની સ્થિતિ ઉભી થાય છે. આવા સમયે સેલ્ફ ટ્રીટમેન્ટ એટલે કે જાતે જ કોઈ દ્યરેલુ ઉપચાર કરવાથી ખતરો વધી શકે છે. તાવ, ઉધરસ, ગળામાં દુઃખાવો અને તાવ જેવા લક્ષણો આ બીમારીઓમાં સામાન્ય હોવાથી સચોટ ઈલાજ ન થતા સ્વાસ્થ્ય વધુ ન કથળે તે માટે નિષ્ણાતોએ ડોકટરોની સલાહ મુજબ સારવાર કરવાની અપીલ કરી છે.

રાજયમાં છેલ્લા ૬ મહિના કરતાં વધુ સમયથી કોરોનાની ઉપસ્થિતિ છે. લોકો ભલે કામના કારણે ઘર બહાર નીકળી રહ્યા હોય પરંતુ ભય હજુ પણ ફેલાયેલો છે. છેલ્લા કેટલાક દિવસથી વાયરલ ઈન્ફેકશન, તાવ, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓના દર્દી પણ મોટા પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે.

ફિઝિશિયન ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદના કિલનિકોમાં આવા દર્દીઓનો ધસારો વધ્યો છે. જેમાં કેટલાક કિસ્સામાં દર્દીને ચિકનગુનિયા હોય તો કોરોના થયો હોવાનું સમજે છે. તો કોઈ કેસમાં ખરેખર કોરોના હોય તો સામાન્ય તાવ ગણીને દર્દી પહેલા દિવસથી તેમની જાતે દવા લેવાનું શરુ કરી દે છે. જેના કારણે બીમારી ખરેખર વકરે છે અને સારવાર કરવામાં વિલંબ થાય તો દર્દીને જ નુકસાન થાય છે. આ સિવાય દર્દીને કોરોના હોય પરંતુ તે તેને તાવ સમજતો હોય તો પરિવારના અન્ય સભ્યોને પણ સંક્રમણ થવાનું જોખમ રહે છે.

પ્રવીણ ગર્ગે દર્દીઓએ જાતે સારવાર કરવાનું ટાળવું જોઈએ તેવી સલાહ આપી છે. તેમણે તેમ પણ કહ્યું કે, 'જો કોરોનાના લક્ષણ દેખાતા હોય તો અર્બન હેલ્થ સેન્ટરથી લઈને મહાનગરપાલિકા દ્વારા અનેક સ્થળોએ વિનામૂલ્યે ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યાં માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ. આમ કરવાથી કોરોના છે કે નહીં તે સ્પષ્ટ થઈ જશે. જો કોરોના નેગેટિવ આવે તો અન્ય બીમારીનો રિપોર્ટ કરાવી લેવો જેથી સમયસર સારવાર મળી રહે. આ સિવાય ડોકટરની સલાહનું કડક રીતે પાલન કરવું જોઈએ'.

કોરોના અને વાયરલ ઈન્ફેકશન, ચિકનગુનિયા, ડેન્ગ્યુના લક્ષણો વચ્ચેનો તફાવત

*જો કોરોના હોય તો ગળામાં સામાન્ય દુઃખાવો થાય છે. જયારે તાવ-શરદી અને ઉધરસમાં દુઃખાવાનું પ્રમાણ વધારે હોય છે.

*કોરોના હોય કો સ્વાદ કે સૂંઘવાની ક્ષમતા પર અસર પડે છે જે અન્ય સીઝનલ બીમારી કે ફ્લૂમાં થતું નથી.

*કોરોના હોય તો શરીરમાંથી ઓકિસજનનું પ્રમાણ ઝડપથી ઓછું થવા લાગે છે તેવું અન્ય બીમારીમાં થતું નથી.

*કોરોનામાં તાવનું પ્રમાણ અન્ય બીમારી કરતાં ઓછું રહે છે.

*કોરોના હોય તો દર્દી જાતે સારવાર કરે તો તેની અસર અન્ય બીમારીની સરખામણીમાં ઓછી થશે.

*ચિકનગુનિયા અને ડેન્ગ્યુમાં શરીર અને સાંધામાં અસહ્ય દુઃખાવો થાય છે જયારે કોરોનામાં શરીરમાં દુઃખાવો ઓછો થાય છે.

*ડેન્ગ્યુમાં માથામાં અસહ્ય દુઃખાવો થાય છે અને ચિકનગુનિયામાં શરીર પર ચકામા પડી જાય છે જયારે કોરોનામાં આવું થતું નથી.

(11:46 am IST)