Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મુંબઈ-અમદાવાદ તેજસ ટ્રેન ૧૭મીથી ફરી દોડશે

પ્રવાસીઓ અને સ્ટાફ માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશેઃ દરેક પ્રવાસીએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે

નવી દિલ્હી,તા. ૮:આઇઆરસીટીસી દ્વારા બુધવારે ૧૭મી ઓકટોબરથી ખાનગી તેજસ એકસપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવશે. કોરોના મહામારીને કારણે લખનઊ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઈની સેવા રદ કરાયાના સાત મહિના બાદ આઇઆરસીટીસી દ્વારા તેજસ એકસપ્રેસની સેવા ફરી શરૂ કરવામાં આવી રહી છે.

બન્ને ટ્રેનોમાં દરેક બીજી સીટ ખાલી રાખવામાં આવશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ શકે તથા પ્રવાસીઓને કોચમાં થર્મલ સ્ક્રીન્ડ કરીને જ દાખલ થવા દેવામાં આવશે તથા એક વખત સીટ પર બેસી ગયા ત્યાર બાદ કોઇની પણ બેઠક ફેરવવામાં આવશે નહીં. પ્રવાસીઓને કોવિડ-૧૯ પ્રોટેકશન કિટ પણ પૂરી પાડવામાં આવશે જેમાં હેન્ડ સેનિટાઇઝર, એક માસ્ક, એક ફેસ શીલ્ડ અને ગ્લોવ્ઝની જોડી હશે. પેન્ટ્રી એરિયા

અને ટોઇલેટને વારંવાર ડિસ્ઇન્ફેકટેડ કરવામાં આવશે. આ સિવાય પ્રવાસીઓના સામાનને પણ સ્ટાફ દ્વારા ડિસ્ઇન્ફેકટેડ કરવામાં આવશે.'પ્રવાસીઓ અને સ્ટાફ માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. દરેક પ્રવાસીએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે અને જયારે પણ તેની માગણી કરવામાં આવે ત્યારે તે સંબંધિત અધિકારીને દેખાડવી પડશે. ટિકિટ બુકિંગના સમયે વિસ્તૃત નિદર્શનો પ્રવાસીઓને પૂરા પાડવામાં આવશે', એમ આઇઆરસીટીસીએ જણાવ્યું હતું.

ભારતીય રેલવેની સબસિડયરી કોર્પોરેટ એન્ટિટી આઇઆરસીટીસી દ્વારા બે તેજસ એકસપ્રેની ટેનો દોડવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા ખાનગી ઓપરેટરોને ૧૫૦ ટ્રેનો દોડાવવાની પરવાનગી આપવામાં આવી છે. કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે ૧૯મી માર્ચે તેજસ ટ્રેનોને રદ કરવામાં આવી હતી જે હવે ૧૭મી ઓકટોબરથી ફરી શરૂ કરાશે.

(11:44 am IST)