Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

માઇક્રોસોફટનો એક રીપોર્ટ

મહામારી દરમ્યાન કામ બાબતે વધુ દબાણમાં છે ભારતીય કર્મચારીઓ

ર૯ ટકા કર્મચારીઓ પર કામનું વધુ દબાણ

નવી દિલ્હી, તા., ૮: ભારતમાં કર્મચારીઓને કામ અને અંગત જીવનમાં અલગાવની સાથે સાથે કોવીદ-૧૯ના કારણે મંદીના લીધે કામ સંબંધીત વધુ દબાણનો સામનો કરવો પડી રહયો છે. માઇક્રોસોફટના નવા વર્ક ટ્રેન્ડ ઇન્ડેક્ષ અનુસાર ભારતમાં ર૯ ટકા કર્મચારીઓ કામના વધુ દબાણનો સામનો કરી રહયા છે. આ આંકડો એશીયામાં બીજા નંબરનો સૌથી મોટો આંકડો છે.

માઇક્રોસોફટે આ રીપોર્ટ તૈયાર કરવા માટે એક સર્વે કર્યો હતો. જેમાં છ હજારથી વધારે લોકોએ હિસ્સો લીધો હતો. આ લોકો આઠ દેશના હતા. રીપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધારે એટલે કે ૪૧ ટકાથી વધારે કર્મચારીઓએ સ્વીકાર્યુ કે કામ અને અંગત જીવનમાં ફરક ન રહેવાના કારણે તેઓ વધુ દબાણ સામે લડી રહયા છે.

માઇક્રોસોફટ ઇન્ડીયાના કન્ટ્રી હેડ સમિક રોયે કહયું કે છેલ્લા છ મહિનામાં આપણે જોયું છે કે કેવી રીતે કોવીદે દરેક જગ્યાએ રીમોટ યુગનું નિર્માણ કર્યુ છે. તેણે એક ભૌગોલીક સ્થાનને બદલે એક આભાસી દુનિયામાં રહેનાર વ્યકિત સુધી એક નવા કાર્યસ્થળના વિકાસ માટે પ્રેરીત કર્યા છે. તેમણે કહયું કે જેમ જેમ બીઝનેસ કામ કરવાની નવી રીતો અપનાવી રહયો છે તેમ તેમ એ જાણવું મહત્વનું છે કે કર્મચારીઓ ઉપર નવી કાર્ય પરિસ્થિતિઓના વિવિધ પાસાઓની શું અસર પડી રહી છે.

રીપોર્ટ અનુસાર ભારતના ર૯ ટકા કર્મચારીઓ માને છે કે નવા વાતાવરણમાં તેમને વધારે કામ કરવું પડે છે. તેમણે કહયું કે પહેલાની સરખામણીમાં હવે તેમણે એક કલાક વધારે કામ કરવું પડે છે. જો કે જર્મનીના કર્મચારીઓ માને છે કે નવી પરિસ્થિતિમાં પહેલાની સરખામણીમાં અત્યંત ઓછા ફેરફારો થયા છે.

(11:39 am IST)