Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આનંદો... કોરોના થાકવા લાગ્યો : દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંકમાં ઘટાડો

ભારતમાં કોરોનાનો પહેલો દોર સમાપ્ત થઇ રહ્યાના એંધાણ : નવા કેસની સંખ્યામાં ૨૦%નો ઘટાડો : ડબલીંગ રેટમાં પણ ઘટાડો : છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૫૨૪ નવા કેસ : ૯૭૧ના મોત : કુલ કેસ ૬૮.૩૨ લાખ : કુલ મૃત્યુઆંક ૧.૦૫ લાખ : વિશ્વમાં ૩.૬૦ કરોડ સંક્રમિતો : ૧૦.૫૯ લાખના મોત

નવી દિલ્હી તા. ૮ : શું ભારતમાં કોરોનાનો પહેલો દોર ધીમેધીમે સમાપ્ત થઇ રહ્યો છે ? જો આંકડાઓ ઉપર નજર નાખીએ તો પહેલીવાર દેશમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે આવી રહેલા તહેવારો દરમિયાન જો લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગ અને અન્ય નિયમોનું પાલન નહિ કરે તો આ જીવલેણ બીમારી ફરી પાછું માથું ઉંચકે તેવી શકયતા છે. ૧૬ સપ્ટેમ્બર સુધી જો સાપ્તાહિક સરેરાશની વાત કરીએ તો ભારતમાં કોરોનાના નવા કેસ ૯૩૬૧૭ સુધી હતા. તે પછીના ત્રણ સપ્તાહમાં રોજ નવા કેસ ઘટતા ગયા અને ગઇકાલે ૭૪૬૨૩ હતા જે શિખરથી લગભગ ૨૦ ટકા ઓછા હતા. એટલું જ નહિ કોરોનાના દર્દીઓના ડબલીંગ રેટમાં પણ ઘટાડો થયો છે. અત્યાર સુધી ૬૦ દિવસમાં દર્દીઓની સંખ્યા બમણી થતી હતી જ્યારે ૭ સપ્ટેમ્બરે આ આંકડો ૩૨.૬ દિવસનો હતો. કેસની સંખ્યા ઘટયાની સાથે સાથે મોતની સંખ્યા પણ ઘટવા લાગી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૫૨૪ નવા દર્દીઓ સામે આવ્યા છે અને ૯૭૧ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ આંકડો ૬૮.૩૨ લાખનો નોંધાયો છે.

દેશમાં સપ્ટેમ્બર મહિનામાં કોરોનાથી મોતની સંખ્યા સતત ૧૦૦૦ની ઉપર જોવા મળતી હતી. ૧૫ સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ ૧૧૬૯ લોકોના મોત નોંધાયા હતા. તે પછી રોજ મોતની સંખ્યા ઘટતી ગઇ છે. ગઇકાલે ૯૭૭ લોકોના મોત થયા હતા જ્યારે આજે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ૯૭૧ લોકોના મોત થયા છે. જો કોરોના પીક હિસાબથી જોઇએ તો મોતના આંકડામાં ૧૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.

જો કે અનેક રાજ્યોમાં બીજી લહેર પણ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્ર અને દિલ્હીમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. કુલ કેસના ૪૬ ટકા દર્દીઓ આ ચાર રાજ્યોના છે.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૫૨૪ના નવા કેસ ઉમેરાયા છે અને ૯૭૧ લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંક ૧,૦૫,૦૦૦નો થયો છે અને ૫૮.૨૪ લાખ લોકો સાજા થયા છે. હજુ પોઝીટીવી રેટ ૮.૩ ચાલી રહ્યો છે એટલે કે દર ૧૦૦ ટેસ્ટ પર ૮ લોકો પોઝીટીવ મળી રહ્યા છે. દેશમાં ૪૮ ટકા મોત આઠ રાજ્યના ૨૫ જિલ્લામાં થયા છે.

વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા ૩.૬૦ કરોડથી વધુ થઇ છે. જેમાં ૧૦.૫૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

(11:14 am IST)