Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાને બે હજાર દંડ

કોર્ટની અવમાનના કેસમાં દોષિત જાહેર કરાયા : હાઈકોર્ટ જસ્ટિસ સોનિયા બહેન અને જસ્ટિસ એનવી અંજારીયાની બેન્ચે ૩૦મીએ ચૂકાદો અનામત રાખ્યો હતો

અમદાવાદ,તા.૭ : ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાને કોર્ટના અપમાનના કેસમાં મંગળવારે દોષિત જાહેર કરાયા બાદ આજે તેમને બે હજાર રૃપિયાનો દંડ તેમજ કોર્ટ ઉઠતા સુધીની કેદની સજા ફટકારી છે. જો, દંડ ભરવામાં ના આવે તો બે મહિનાનો જેલવાસ ભોગવવો પડશે. હાઈકોર્ટે યતીન ઓઝાની સજા પર સ્ટે આપતા તેઓ હવે સુપ્રીમ કોર્ટમાં જશે. હાઈકોર્ટ જસ્ટિસ સોનિયાબહેન ગોકાણી અને જસ્ટિસ એન.વી.અંજારીયા ની બેન્ચે ૩૦ સપ્ટેમ્બરના રોજ ચૂકાદો અનામત રાખ્યો હતો. યતીન ઓઝાએ ફેસબુક પર પ્રેસ કોન્ફરન્સ યોજી હાઈકોર્ટના વહીવટી વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેને લઈને અગાઉ તેમનું સિનિયર કાઉન્સિલનું પદ છીનવી લેવામાં આવ્યું છે. લૉકડાઉન દરમિયાન હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં સુનાવણી મામલે યતીન ઓઝાએ ગંભીર આક્ષેપ કર્યા હતા. વગદાર લોકોના કેસને સાંભળવામાં પ્રાયોરિટી અપાય છે અને સામાન્ય લોકોના કેસ મુકવામાં આવે તો જજનું વલણ કડક છે તમે ધાર્યું પરિણામ નહીં મેળવી શકો.

                ઓઝાએ ફેવરેટિઝમ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવતા હાઈકોર્ટ ચીફ જસ્ટિસ વિક્રમનાથે યતીન ઓઝાના આક્ષેપની સત્યતા તપાસવા માટે ત્રણ જજની પેનલ બનાવી હતી. ત્યારબાદ હાઈકોર્ટ જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ સુઓમોટો કન્ટેમ્પટ પિટિશન કરી હતી. એક મહિના અગાઉ યતીન ઓઝાએ બિનશરતી માફી માગી હવે ભૂલ નહીં થાય તેવી રજૂઆત કરી હતી. આમ છતાં તેમની માફીની અરજી માન્ય રાખવામાં આવી ન હતી. યતીન ઓઝા સુઓમોટો કન્ટેમ્પટ પિટિશન પર સ્ટે મેળવવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવી આવ્યા છે. જો કે, તેમાં તેમને સફળતા મળી ન હતી. સિનિયર કાઉન્સિલનું પદ ગુમાવ્યા બાદ તેમને અદાલતની અવમાનના બદલ દોષિત જાહેર કરાયા છે. યતીન ઓઝા ભાજપના ધારાસભ્ય તરીકે સાબરમતી બેઠક પરથી વર્ષ ૧૯૯૫ અને ૨૦૦૧માં એમ બે વખત વિજયી બની ચૂક્યા છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને મણીનગર વિધાનસભા બેઠક પર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી પણ લડ્યા હતા. વર્ષ ૨૦૧૨માં યતીન ઓઝા ભાજપમાં પાછા ફર્યા હતા અને ત્યારબાદ દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં આપ પાર્ટીમાં જોડાયા હતા.

(12:00 am IST)