Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અંબાણી પરિવારે ચારધામ બોર્ડને આપ્યું પાંચ કરોડનું દાન

મહામારીને કારણે આર્થિક નુકસાનને જોતા દાનની સરવાણી વહાવી છે

મુંબઇ,તા. ૮:રિલાયન્સ તાજેતરમાં જ રિટેલ માર્કેટને લઈને ચર્ચામાં છે. અત્યાર સુધીમાં વિદેશી કંપનીઓ રિલાયન્સ રિટેલમાં માતબર રોકાણ કરી ચૂકી છે. સામાન્ય રીતે અંબાણી પરિવાર અને રિલાયન્સ દ્વારા સોમનાથ, દ્વારકા વગેરેમાં દાન અપાતું હોય છે. એવી જ રીતે અંબાણી પરિવારે કોરોના વાયરસની મહામારીના કારણે આર્થિક નુકસાનને જોતા ઉત્ત્।રાખંડના ચારધામ દેવસ્થાનમ બોર્ડને પાંચ કરોડ રુપિયાનું દાન આપ્યું છે.

રિલાયન્સ સમૂહના લીડર મુકેશ અંબાણીના દીકરા અને શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના પૂર્વ સભ્ય અનંદ અંબાણીએ કોરોના કાળમાં ખરાબ આર્થિક સ્થિતિના કારણે ચારધામ બોર્ડને પાંચ કરોડ રુપિયાની રકમ દાનમાં આપી છે. નોંધનીય છે કે મુકેશ અંબાણી તથા તેમના પરિવારના સભ્ય નિયમિત રીતે ચાર ધામના દર્શન કરવા આવે છે.

પહેલા પણ તેમના દ્વારા કરોડો રુપિયાનું દાન ચાર ધામમાં આપવામાં આવ્યું છે. અહીં જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર દેવસ્થાનમ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રવિનાથ રમન તથા બીડી સિંહે દાન માટે અંબાણી પરિવારનો આભાર પણ વ્યકત કર્યો છે.

(2:59 pm IST)