Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

યુ.એ.ઈ.ની જેલમાં 8,189 ભારતીય મૂળના કામદારો સબડી રહ્યા છે : નોકરી ગુમાવી બેઠેલા ,માલિકો દ્વારા શોષણ તથા એજન્ટો દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા ભારતીયોને કાયદાકીય અને આર્થિક મદદ અપાવો : સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનના આધારે કેન્દ્ર સરકાર તથા 12 રાજ્યોને નોટિસ

ન્યુદિલ્હી : ગલ્ફ દેશોમાં નોકરી ગુમાવી બેઠેલા ,માલિકો દ્વારા શોષણનો ભોગ બનતા ,તેમજ એજન્ટો દ્વારા કરાયેલી છેતરપિંડીનો ભોગ બનેલા ભારતીયોને વતનમાં પાછા આવી શકે તે માટે કેન્દ્ર  સરકાર મદદ કરે તેવી પિટિશન અનુસંધાને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તથા 12 રાજ્યોને નોટિસ પાઠવી છે.
પિટિશનમાં મંગાયેલી દાદ મુજબ રોજી રોટી કમાવા  ગલ્ફ દેશોમાં  ગયેલા ભારતીયો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.જેમાં મોટા ભાગના તેલંગણા ,આંધ્ર પ્રદેશ ,બિહાર ,કેરળ ,ઓડિશા ,તામિલનાડુ ,પંજાબ ,ઉત્તર પ્રદેશ ,રાજસ્થાન ,મહારાષ્ટ્ર ,તથા કર્ણાટકના છે.
આ કામદારો નોકરી ગુમાવી બેસવાથી શોષણનો ભોગ બની રહ્યા છે તથા ગુલામ અવસ્થામાં જિંદગી ગુજરી રહ્યા છે.મહિલાઓને સેક્સ વ્યવસાય કરવા મજબુર કરવામાં આવી રહી છે.
આ સંજોગોમાં યુ.એ.ઈ.સ્થિત ભારતીય દૂતાવાસ પણ ખાસ મદદરૂપ થતું નથી.જયારે પાકિસ્તાન ,સહિતના દેશોમાંથી આવતા વતનીઓને જે તે દેશના દૂતાવાસ દ્વારા પૂરતી મદદ કરવામાં આવે છે.ભારતીય નાગરિકોના માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો છે.ભારત અને યુ.એ.ઈ.વચ્ચે કામદારોની સુરક્ષા માટે  એમઓયુ થયા હોવા છતાં તેનો અમલ જોવા મળતો નથી.
તેથી ભારતીય કામદારોને કાયદાકીય તેમજ આર્થિક મદદ મળી રહે તેવી અરજ કરતા ઉમેરાયું છે કે હાલમાં યુ.એ.ઈ.ની જેલમાં 8,189  ભારતીય કામદારો ને કેદ કરવામાં આવ્યા છે.જે પૈકી 44  ના મોત થઇ ચુક્યા છે.તેઓના મૃતદેહ ભારત મોકલવામાં આવે તથા મૃતકોના પરિવારને વળતર મળે તેવી જોગવાઈ કરવા અરજ કરાઈ હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:37 pm IST)