Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

સલમાનને ધમકી આપનાર શખ્સને પોલીસે ઝડપ્યો :સિદ્ધૂ મુસેવાલાના હત્યા કેસથી જોડાયું છે કનેક્શન

સલમાનને ધમકી આપનાર MCOCA હેઠળ સૌરભ મહાકાલની ધરપકડ

મુંબઈ :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ધમકીભર્યો પત્ર મળવાનો મામલો ઉકેલાઈ ગયો છે. ધમકીભર્યો પત્ર મળવાના કેસમાં સૌરભ ઉર્ફે મહાકાલનું નામ સામે આવી રહ્યું છે, જેની પુણે પોલીસે ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં પત્રનું સમગ્ર સત્ય બહાર આવ્યું છે.

મોટી કાર્યવાહી કરતા પુણેની ગ્રામીણ પોલીસે MCOCA હેઠળ સૌરભ મહાકાલની ધરપકડ કરી હતી. આ આરોપીના તાર પંજાબી ગાયક સિદ્ધૂ મુસેવાલાની હત્યા સાથે પણ જોડાયેલા છે. તેની પાછળ પોલીસ હતી. હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેના પછી ઘણા રહસ્યો પરથી પડદો ઉઠી શકે છે.

બીજી તરફ સલીમ ખાન અને તેના પુત્ર અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યા પત્રો મળવાના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માટે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ બુધવારે દિલ્હી પહોંચી હતી.

મુંબઈ પોલીસે સલીમ ખાન અને સલમાન ખાનના નિવેદનો નોંધ્યા છે અને સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે સલમાનના બે બોડીગાર્ડના નિવેદન પણ નોંધ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 'સલિમ ખાન, સલમાન ખાન તમારા હાલ મુસેવાલા જેવો થઈ જશે ટૂંક સમયમાં જી.બી.એલ.બી...' એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે જીબી અને એલબી તેનો અર્થ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ હોઈ શકે છે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ અજાણ્યા બદમાશો દ્વારા ગોળી કરીને હત્યા કરવામાં આવી હતી.

(9:43 pm IST)