Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

વાયગ્રાના વધુ પડતા ડોઝથી પેનિસ સામાન્ય સ્થિતિમાં ન આવતા સર્જરી કરાવવી પડી

ડોક્ટર્સની સલાહ વિના વાયગ્રા લેવી ભારે પડીઃયુવક રોજની ૨૦૦ એમજી વાયગ્રા લેતો હતો, ખરેખર તો કોઈપણ સંજોગોમાં તેનો ડોઝ ૨૫-૩૦ MGથી વધવો ના જોઈએ

પ્રયાગરાજ,તા.૮ : મિત્રોની સલાહ પર વગર વિચાર્યે આડેધડ વાયગ્રા લેવાનું ૨૮ વર્ષના એક યુવકને ભારે પડી ગયું છે.

ત્રણેક મહિના પહેલા જ લગ્ન કરનારા યુવકને શિશ્નોત્થાનની સમસ્યા હોવાથી તેના મિત્રોએ તેને વાયગ્રા લેવા માટે જણાવ્યું હતું. જોકે, તેણે તેનો ડોઝ એટલો બધો વધારી દીધો હતો કે ઉત્તેજના વધારતી વાયગ્રા તેના માટે પીડાદાયક બની ગઈ હતી. વધુ ડોઝને કારણે તેનું પેનિસ સામાન્ય સ્થિતિમાં ના આવતા આખરે તેને હોસ્પિટલ જવું પડ્યું હતું જ્યાં તેના પર સર્જરી કરવાની નોબત આવી હતી.

પ્રયાગરાજની એમએલએન મેડિકલ કોલેજના યુરોલોજી ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, યુવક રોજની ૨૦૦ એમજી વાયગ્રા લેતો હતો, ખરેખર તો કોઈપણ સંજોગોમાં તેનો ડોઝ ૨૫-૩૦ દ્બખ્તથી વધવો ના જોઈએ. જેના કારણે તે ગંભીર સમસ્યામાં મૂકાઈ ગયો હતો. આ યુવકને જે સમસ્યા થઈ હતી તેને મેડિકલ ટર્મમાં 'પ્રિઆપિસમ' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં લિંગ ઉત્તેજીત અવસ્થામાં જ રહે છે, અને પેશન્ટને ખૂબ જ દુઃખાવો થતો રહે છે.

યુરોલોજી વિભાગના હેડ ડૉ. દિલિપ ચૌરસિયાના જણાવ્યા અનુસાર, આ સ્થિતિમાં લિંગ ચાર કલાક કે પછી તેનાથી પણ વધુ સમય સુધી સતત ઉત્તેજીત રહે છે. આ કેસમાં યુવકની પત્નીને એ વાતનો અહેસાસ થયો હતો કે તેનો પતિ કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને તે જ તેને સમજાવીને હોસ્પિટલમાં લાવી હતી. પેશન્ટની તપાસ કર્યા બાદ તેનું લિંગ સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તેના પર સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો, જે એક કલાક સુધી ચાલી હતી.

પહેલી સર્જરી પૂરી થયા બાદ ડૉક્ટરોએ પેશન્ટ સાથે વાતચીત કરી હતી, અને તેને બે મહિના બાદ ફરી આવવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેના પર પેનાઈલ પ્રોસ્થેસિસ સર્જરી કરાઈ હતી. આ સર્જરી શિશ્નોત્થાનમાં સમસ્યા અનુભવતા પુરુષો પર કરવામાં આવે છે. જેમાં પેનાઈલ ઈમ્પ્લાન્ટ નામનું એક ડિવાઈસ લિંગમાં નાખવામાં આવે છે, જેનાથી શિશ્નોત્થાનમાં મદદ મળે છે. ડૉ. ચૌરસિયાના જણાવ્યા અનુસાર, આ સર્જરીની કોઈ આડઅસર નથી તેમજ હવે યુવક સામાન્ય લગ્નજીવન જીવી શકશે તેમજ પિતા પણ બની શકશે.

ડૉ. ચૌરસિયાએ કોઈ મેડિકલ સલાહ વિના જ પોતાની રીતે વાયગ્રા લેનારા લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે આમ કરવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાંય જેમને ડાયાબિટિસની સાથે શિશ્નોત્થાનમાં સમસ્યા હોય તેવા લોકોએ ડૉક્ટરની સલાહ વિના વાયગ્રા લેવાનું જોખમ ક્યારેય ના લેવું જોઈએ, નહીંતર તેના ભયાનક પરિણામ આવી શકે છે.

 

 

 

(8:25 pm IST)