Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

યુપીમાં કેશવ પ્રસાદ મૌર્ય સહિત તમામ મંત્રીઓને વિધાન પરિષદમાં મોકલવા નિર્ણય

યુપી વિધાનપરિષદ માટે ભાજપે ૯ ઉમેદવાર જાહેર કર્યાઃરાજ્યમાં ૧૩ એમએલસી સીટો માટે ૨૦ જૂનના રોજ ચૂંટણી થશે જેના માટે ઉમેદવારીની પ્રક્રિયા શરૃ

લખનૌ,તા.૮ :ભાજપે યુપી વિધાનપરિષદ ચૂંટણી માટે ૯ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહીત તે બધા મંત્રીઓને વિધાન પરિષદ મોકલવાનો નિર્ણય લીધો છે જો કે, હજુ સુધી કોઈ પણ સદનના સદસ્ય નથી.

પાર્ટીએ નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ ઉપરાંત ચૌધરી ભૂપેન્દ્ર સિંહ, દયાશંકર મિશ્ર દયાળુ, જે.પી.એસ રાઠૌર, નરેન્દ્ર કશ્યપ, જશવંત સૈની, દાનિશ આઝાદ અંસારી, બનવારીલાલ દોહરે અને મૂકેશ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

રાજ્યમાં ૧૩ એમએલસી સીટો માટે ૨૦ જૂનના રોજ ચૂંટણી થશે જેના માટે ઉમેદવારીની પ્રક્રિયા શરૃ થઈ ચૂકી છે.

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ઉપરાંત યોગી સરકારના ૬ અન્ય મંત્રી ભૂપેન્દ્ર સિંહ, દયાશંકર દયાળુ મિશ્ર, જે.પી.એસ રાઠૌર, નરેન્દ્ર કશ્યપ, જશવંત સૈની, દાનિશ આઝાદ અંસારી વિધાન પરિષદમાં જશે.

સમાજવાદી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અપર્ણા યાદવને પાર્ટીએ વિધાન પરિષદ ચૂંટણી માટે ટિકિટ નથી આપી.

 અપર્ણા યાદવ યુપી વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીનો સાથ છોડી બીજેપીમાં જોડાયા હતા. અપર્ણા યાદવ સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવના બીજા પત્ની સાધના યાદવના પુત્ર પ્રતીક યાદવના પત્ની છે.

 

 

(8:22 pm IST)