Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

પાકિસ્તાનમાં વીજ બચાવવા કામ કરવાના દિવસોમાં ઘટાડો કરાયો

કેપઃ પાકિસ્તાનમાં અંધારપટ છવાઈ જવાનો ડરઃહવે શનિવારે લોકોએ ઓફિસ નહીં જવું પડે, સ્ટ્રીટ લાઈટ બંધ કરવા, ઓફિસ બંધ રાખવા માટે વર્ક ફ્રોમ હોમ કરવા જેવા નિર્ણયો પર ચર્ચા-વિચારણા

ઈસ્લામાબાદ,તા.૮ :પાકિસ્તાનને પોતાના દેશમાં અંધારપટ છવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને પોતાના કામ કરવાના દિવસોમાં એક દિવસનો ઘટાડો કર્યો છે. એટલે કે હવે શનિવારે લોકોએ ઓફિસ નહીં જવું પડે. આમ કરવા પાછળનું કારણ છે કે પાકિસ્તાન વીજળી અને ઈંધણની બચત કરવા માગે છે. આ સિવાય પણ કેટલાક મહત્વના નિર્ણયો લેવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે જેમાં સ્ટ્રીટ લાઈટ બંધ કરવા, ઓફિસ બંધ રાખવા માટે વર્ક ફ્રોમ હોમ કરવા જેવા નિર્ણયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.

સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું છે કે, અધિકારીઓ માટે વપરાતા વાહનો અને જેવા કે એકન્ડિશનરની ખરીદી પર રોક લગાવી દેવામાં આવશે, સરકારી અધિકારીઓને અપાતા ઈંધણમાં પણ ૪૦%નો ઘટાડો કરવામાં આવશે. આ સિવાય વિદેશ યાત્રાઓ પર પણ રોક લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે દેશની સરકારી ઓફિસોમાં વપરાતી વીજળનાના વપરાશમાં ૧૦% ઘટાડો કરવાના લક્ષ્યને લઈને ચાલી રહી છે.

આ સાથે અધિકારીઓને લંચ, ડિનર અને હાઈ-ટી સર્વ કરવામાં આવશે નહીં અને સરકાર શુક્રવારે પોતાના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ડેને ફરજિયાત બનાવવા અંગે વિચાર કરશે. એક દિવસ છોડીને એક દિવસ સ્ટ્રીટ લાઈટ બંધ કરવા અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.વૈશ્વિક વીજળી અને ઈંધણ સંકટની અસર પાકિસ્તાન પર પણ પડી રહી છે, જેમાં મહામારી પછીની માંગ અને ઈંધણની આપૂર્તિમાં ઘટાડો જેવા કારણો જવાબદાર મનાઈ રહ્યા છે, ઘણાં દેશો યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રશિયામાંથી આવતા ઈંધણ પર રોક લાગી ગઈ છે, આવામાં પાકિસ્તાનને પણ પોતાનો દેશમાં અંધારપટ છવાઈ જવાનો ડર સતાવી રહ્યા છે.

ઈંધણ સહિત વીજળીની વધતી કિંમતો અને બ્લેકઆઉટ નવા વડાપ્રધાન શહબાઝ શરીફની સરકાર માટે મોટી પરીક્ષા સાબિત થઈ રહ્યા છે. શરીફ નવા વડાપ્રધાન બન્યા પછી તરત તેમણે શનિવારને લોક સેવાનો દિવસ જાહેર કર્યો હતો. એક તરફ વીજળીની મોટી અછત સર્જાઈ રહી છે તો બીજી તરફ પાકિસ્તાનમાં કાપડના ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોને વીજળી પર મૂકાતા કાપને કારણે ચિંતા થઈ રહી છે. જો વીજળી અને ઈંધણની બચતને લઈને કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો તો વેપાર-ધંધા પર તેની મોટી અસર થઈ શકે છે.

પાકિસ્તાનમાં વીજળની બચત માટે સરકાર દ્વારા નવા નિર્ણય લેવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. નવી હીટવેવના લીધે અહીં ૨૧,૦૦૦ મેગાવોટ વીજળીના ઉત્પાદન સામે જરુરિયાત ૨૮,૪૦૦ મેગાવોટની છે.

(8:19 pm IST)