Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ભારતમાં લોકશાહી સરકાર, અફઘાનિસ્તાન નથી ઃ કંગના રનૌત

પૈગંબર અંગે નિવેદન બદલ નૂપુર શર્મા ફસાયાઃમાફી માગી લીધી હોવા છતાં કટ્ટરપંથીઓ દ્વારા મળતી ધમકીને લીધે નેતાની સુરક્ષા વધારવામાં આવી

મુંબઈ,તા.૮ :બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના બેખોફ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં કંગનાએ ભાજપના પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં એક નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, નુપુર શર્મા પોતાના એક નિવેદનને પગલે હાલ મુસ્લિમ સમુદાયના રોષનો ભોગ બન્યા છે.

કંગનાએ જણાવ્યું કે, નુપુરને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે. નુપુર શર્માને તેમણે આશરે ૧૦ દિવસ પહેલા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેના કારણે ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે, નુપુરે પોતાનું નિવેદન પાછું ખેંચીને માફી પણ માગી લીધી છે પરંતુ ઈસ્લામિક કટ્ટરપંથીઓ તેમને સતત ધમકીઓ આપી રહ્યા છે. આ ધમકીઓના કારણે દિલ્હી પોલીસે મંગળવારના રોજ નુપુર શર્માને સુરક્ષા પ્રદાન કરી હતી.  કંગનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા નુપુર શર્માના સમર્થનમાં લખ્યું હતું કે, નુપુરને પોતાના વિચારો રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આપણે જોઈ રહ્યા છીએ કે, તેમને અનેક પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે. જ્યારે દરરોજ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે ત્યારે આપણે કોર્ટમાં જઈએ છીએ. તમે પણ એવું જ કરો. ગુંડાગીરી કરવાની શું જરૃર છે. વધુમાં લખ્યું હતું કે, આ કોઈ અફઘાનિસ્તાન નથી. જે લોકો ભૂલી ગયા છે તેમને કહેવા માગું છું કે, અહીં કાયદેસર લોકશાહીની પદ્ધતિ દ્વારા ચૂંટાયેલી સરકાર છે. કંગનાએ નુપુર શર્માના સમર્થનમાં નિવેદન આપ્યું છે પરંતુ સિને જગતની અનેક હસ્તિઓ છેલ્લા ૨ દિવસથી નુપુર શર્મા તથા કેન્દ્રની ભાજપ સરકારના વિરોધમાં નિવેદનો આપી રહી છે. તેમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર, ઋચા ચઢ્ઢા તથા અભિનેતા ગુલશન દેવૈયાનો સમાવેશ થાય છે.

 

(8:17 pm IST)