Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ખેડૂતો માટે ખુશખબર : ખરીફની MSPમાં ૫-૨૦%નો વધારો

જુવાર - બાજરો - રાગી - મગફળી - તુવેર - મગ - ધાન - મકાઇ - સોયાબીનના ન્‍યુનત્તમ સમર્થન મૂલ્‍યમાં વધારો : કેન્‍દ્રીય કેબિનેટે લીધો મહત્‍વનો નિર્ણય

નવી દિલ્‍હી તા. ૮ : ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં ૫ થી ૨૦ ટકાનો વધારો કરવા માટે કેબિનેટ તરફથી મંજૂરી મળવાના સમાચારો સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જુવાર, બાજરી, રાગી, મગફળી, તુવેર, મગ, ડાંગર, મકાઈ અને સોયાબીનની MSP વધશે.
જેમાં કહેવામાં આવ્‍યું છે કે કેબિનેટ અને CCEAની બેઠક પૂરી થઈ ગઈ છે અને તેને ખરીફ પાકની MSP વધારવાની મંજૂરી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આજે સાંજે ૪ વાગ્‍યે કેબિનેટની પ્રેસ કોન્‍ફરન્‍સ થશે, જેમાં MSP વધારવા અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
આ સમયે સમગ્ર દેશમાં મોંઘવારીનો માર છે. આજે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાના ગવર્નર શક્‍તિકાંત દાસે પણ સ્‍વીકાર્યું કે રશિયા અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધે વિશ્વની સામે સંકટ ઉભું કર્યું છે. ભારત પણ આમાંથી બાકાત નથી. આના કારણે માંગ અને પુરવઠા શૃંખલાનું સંતુલન બગડ્‍યું છે.
આવી સ્‍થિતિમાં ખેડૂતોને મોંઘા ખાતરથી માંડીને અન્‍ય ચીજવસ્‍તુઓ માટે પણ મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી ખેડૂતોના હિતને સૌથી ઉપર રાખવું જરૂરી છે. આવી સ્‍થિતિમાં દેશના ખેડૂતોને ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવથી જયાં ખેડૂતોની સ્‍થિતિ સારી થશે ત્‍યાં ભારતમાં પુરવઠાની સમસ્‍યાનો પણ ઉકેલ આવશે.
રિપોર્ટ અનુસાર, ખેડૂતોની ખેતીની વધતી કિંમત અને ખેતીમાં વપરાતા મશીનોની કિંમતમાં વધારાને કારણે સરકારે MSP વધારવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર છેલ્લા ૩ વર્ષમાં MSPમાં ૧ થી ૫ ટકાનો વધારો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ખરીફ પાકના MSPમાં ૫-૨૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોને ટાંકીને સમાચાર અનુસાર, કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશને આ વર્ષે સોયાબીન તેમજ મગફળી અને તેલીબિયાં માટે એમએસપીમાં સૌથી વધુ વધારો કરવાની ભલામણ કરી છે. સરકારનું માનવું છે કે દેશમાં તેલીબિયાંનું ઉત્‍પાદન વધવાથી પામતેલની નિકાસ ઘટાડવામાં મદદ મળશે.

 

(3:57 pm IST)