Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

અમરનાથ યાત્રાના શ્રધ્‍ધાળુઓ પર સ્‍ટિકિ બોમ્‍બનો ખતરો

સુરક્ષા એજન્‍સીઓ સતર્ક : સરકારે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ખાસ દિશા-નિર્દેશ જાહેર કર્યા : કાશ્‍મીરમાં તાલિબાન સ્‍ટાઇલમાં હુમલાનું ષડયંત્રનો પર્દાફાશ

જમ્‍મુ તા. ૮ : જમ્‍મુ-કાશ્‍મીરમાં ટાર્ગેટ કિલિંગ વડે અનેક નિર્દોષ નાગરિકોનું લોહી વહેડાવ્‍યા બાદ હવે આતંકવાદીઓનો ડોળો અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ પર મંડરાયો છે. તેના માટે આતંકવાદીઓએ કાશ્‍મીરમાં તાલિબાન સ્‍ટાઇલ હુમલાનું ષડયંત્ર રચ્‍યું હોવાનો પર્દાફાશ થતાં સુરક્ષા એજન્‍સીઓ સતર્ક થઇ ગઇ છે. અમરનાથ યાત્રાએ જઇ રહેલા શ્રદ્ધાળુઓ પર સ્‍ટિકી બોમ્‍બ વહે હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આથી સરકારે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ખાસ દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
આગામી ૩૦ જૂનથી શરૂ થઇ રહેલી અને હિન્‍દુ ધર્મની સૌથી મુખ્‍ય એવી અમરનાથ યાત્રા પર ફરી એક વખત આતંકવાદીઓનો ડોળો મંડાયો છે. ૫ ઓગસ્‍ટ, ૨૦૧૯ના રોજ કાશ્‍મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્‍યા બાદ યોજાનારી પ્રથમ અમરનાથ યાત્રામાં ૩ લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્‍યતા છે. છેલ્લા ૨ વર્ષમાં કોરોનાને કારણે યાત્રા યોજાઇ શકી નહોતી. ત્‍યારે કાશ્‍મીર ખીણને ટાર્ગેટ કિલિંગ વડે રક્‍તરંજિત કર્યા બાદ હવે આતંકવાદીઓના નિશાને અમરનાથ યાત્રાળુઓ છે
સ્‍ટિકી બોમ્‍બ એવા વિસ્‍ફોટકો છે કે જે વાહનોને ચોંટાડીને દૂરથી પણ વિસ્‍ફોટ કરી શકાય છે. જમ્‍મુ-કાશ્‍મીરમાં આતંકવાદીઓ પાસે સ્‍ટિકી બોમ્‍બ હોવાની શક્‍યતાને કારણે સુરક્ષા એજન્‍સીઓ એલર્ટ પર છે. સ્‍ટિકી બોમ્‍બના ખતરાને જોતાં સુરક્ષા એજન્‍સીઓએ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે તેમની સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં પણ ફેરફાર કર્યો છે. અહેવાલો અનુસાર સુરક્ષા અધિકારીઓએ નિર્ણય લીધો છે કે યાત્રાળુઓ અને સુરક્ષા દળોનાં વાહનો અલગ-અલગ ચાલશે. આ સાથે સુરક્ષા દળો અને યાત્રાળુઓના વ્‍યવસ્‍થાપન સાથે જોડાયેલા લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ વાહનની ચકાસણી કર્યા વગર તેને છોડવામાં ન આવે.

 

(1:27 pm IST)