Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

NHAI ૭૫ કિમીનો એક રોડ માત્ર ૧૦૫ કલાકમાં બનાવી વર્લ્‍ડ રેકોર્ડ સર્જયો

દરેક દેશવાસી માટે ગૌરવની પળ

નવી દિલ્‍હી તા. ૮ : નેશનલ હાઇવે ઓથોરીટીએ એક એવું કામ કર્યું છે જેના કારણે ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં તેનું નામ નોંધાઈ ગયું છે. કેન્‍દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિ બદલ ખુબ પ્રશંસા કરી અને કહ્યું કે NHAI નું નામ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે.

NHAI એ આ રેકોર્ડ ૭૫ કિમી નો એક રોડ માત્ર ૧૦૫ કલાકમાં બનાવીને પોતાના નામે કર્યો. કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જણાવ્‍યું કે NHAI એ ૧૦૫ કલાક અને ૩૩ મિનિટના રેકોર્ડ સમયમાં NH-53 પર અમરાવતીથી અકોલા વચ્‍ચે સફળતાપૂર્વક સિંગલ લેનમાં ૭૫ કિમી સુધી સતત બિટુમિનસ કોંક્રિટ રોડ બનાવીને ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો.

ગડકરીએ ટ્‍વીટ કરીને કહ્યું કે સમગ્ર દેશ માટે આ ગર્વની  પળ છે. NH-53 સેક્‍શન પર અમરાવતી અને અકોલા વચ્‍ચે સિંગલ લેનમાં ૭૫ કિમી સતત બિટુમિનસ કોંક્રીટ રોડ બનાવવાનો ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવવા બદલ અમારી NHAI ની અસાધારણ ટીમ, કન્‍સલ્‍ટન્‍ટ્‍સ અને કન્‍સેશનેયર, રાજપથ ઈન્‍ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને જગદીશ કદમને અભિનંદન પાઠવતા ખુબ આનંદ થઈ રહ્યો છે. અમારા એન્‍જિનિયર્સ અને શ્રમિકોનો હું ખાસ આભાર માનું છું. જેમણે આ અસાધારણ ઉપલબ્‍ધિ મેળવવા માટે દિવસ રાત મહેનત કરી.

અત્રે જણાવવાનું કે આ અગાઉ આ રેકોર્ડ કતારના નામે હતો. ટાઈમ્‍સ નાઉના રિપોર્ટ મુજબ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯માં કતારના લોક નિર્માણ પ્રાધિકરણે સૌથી ઝડપી ૨૨ કિમી રોડ નિર્માણ કરીને આ રેકોર્ડ બનાવ્‍યો હતો. હવે આ રેકોર્ડ ભારતે પોતાના નામે કર્યો છે.

(12:01 pm IST)