Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

જ્ઞાનવાપી મસ્‍જિદમાં સર્વેનો આદેશ આપનાર જજ રવિ કુમારને મળી ધમકી

ઇસ્‍લામિક મુવમેન્‍ટ નામની સંસ્‍થાના નામથી જજ રવિ કુમારને મળ્‍યો ધમકીભર્યો પત્ર

વારાણસ,તિા.૮: શ્રૃંગાર ગૌરીના નિયમિત પૂજા-દર્શન મામલે જ્ઞાનવાપી મસ્‍જિદના સર્વેનો આદેશ આપનારા સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિ કુમારને ધમકી મળી છે. ઈસ્‍લામિક મૂવમેન્‍ટ નામની સંસ્‍થાના નામથી લખાયેલો પત્ર જજ રવિ કુમારને પોસ્‍ટથી મળ્‍યો. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

જજ રવિ કુમાર દિવાકરે આ પત્રની જાણકારી ચીફ સચિવ ગૃહની સાથે-સાથે લખનૌના ડીજીપી અને વારાણસીના પોલીસ કમિશનરને આપી છે. જજને ધમકી મળ્‍યાના અહેવાલ મળતા જ કમિશ્નરેટ પોલીસ પણ તાત્‍કાલીક તપાસમાં લાગી ગઈ. જજ રવિ કુમારે જ્ઞાનવાપી મસ્‍જિદ પરિસરના કમિશનની કાર્યવાહીના આદેશ આપ્‍યા હતા, તે પછી જ્ઞાનવાપીમાં ૫ દિવસ સર્વેની કાર્યવાહી થઈ હતી.

વારાણસીના બહુચર્ચિત સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરે શ્રૃંગાર ગૌરી નિયમિત દર્શન મામલે જ્ઞાનવાપી મસ્‍જિદમાં સર્વેના આદેશ આપ્‍યા હતા. આ આદેશમાં તેમણે પરિવારના ડરનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્‍યું હતું કે, એક સામાન્‍ય સર્વેની પ્રક્રિયાને અસામાન્‍ય બનાવી દેવાઈ.

જજને  મળેલા પત્રમાં પણ આદેશમાં લખાયેલી લાઈનોનો ઉલ્લેખ કરાયો છે અને લખાયું છે કે, તમે મીડિયામાં નિવેદન આપ્‍યું કે, સર્વે એક સામાન્‍ય પ્રક્રિયા છે. આ વાતોના ઉલ્લેખની સાથે જ ધમકી આપતા કહેવાયું છે કે તમે ૮૦ ટકા લોકો માટે કામ કરી રહ્યા છો તથા સંઘ અને તેના સહયોગી સંગઠનોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. હવે ૨૦ ટકા મુસ્‍લિમો એક થઈ રહ્યા છે. તમારા નિર્ણયથી હિંદુઓમાં મુસ્‍લિમો પ્રત્‍યે નફરત ભરાઈ રહી છે, જેટલા તેઓ મુસ્‍લિમો પ્રત્‍યે વધુ નફરત કરશે, એટલા જ મુસ્‍લિમો એક થશે.

આ પત્રમાં ઘણી વાંધાનજક વાતો લખાઈ છે. પત્રમાં એવું પણ જણાવાયું છે કે, આ પત્ર અખિલેશ યાદવ, મમતા બેનર્જી સહિત અરવિંદ કેજરીવાલ, સોનિયા ગાંધી, શરદ પવારને પણ મોકલાઈ છે. પત્રમાં સ્‍પષ્ટ રીતે તોફાનો જેવી સ્‍થિતિ ઊભી કરવાની ધમકી આપવામાં આવી છે.

ચીફ સચિવને લખાયેલા પત્રમાં રવિ કુમારે જણાવ્‍યું કે, તેમને મળેલા ધમકીભર્યા પત્રમાં પીએમ મોદીથી લઈને પૂર્વ સીજેઆઈ રંજ ગોગોઈનો પણ ઉલ્લેખ કરતા તોફાનો કરાવવાની ધમકી અપાઈ છે. સાથે જ એવું પણ લખાયું છે કે, પીએમ મોદીએ ભારતના મુસ્‍લિમોને ભારત વિભાજન વિભીષિકા દિવસ (૧૪ ઓગસ્‍ટ- હોરર ડે) ઉજવવા પર મજબૂર કરી દીધા છે. તેમાં આ પત્ર સાર્વજનિક કરી હિંદુ સહાનુભૂતિનો આનંદ લેવા કટાક્ષ પણ કરાયો છે. 

(10:00 am IST)