Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અધિકારીઓએ સંસદિય સમિતિને કર્યો રિપોર્ટ

વાયુ પ્રદુષણના કારણે ઝડપથી ફેલાશે કોરોના

નવી દિલ્હીઃ શુક્રવારે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ સંસદની એક સમિતિને જણાવ્યું હતું કે, હવાના પ્રદૂષણને કારણે કોરોના વાયરસનો ચેપ પહેલા કરતા ઝડપથી ફેલાઈ શકે છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. શુક્રવારે કેન્દ્રીય પર્યાવરણ અને આરોગ્ય મંત્રાલયો ઉપરાંત દિલ્હી, હરિયાણા અને પંજાબ સરકારના વરિષ્ઠ અધિકારીઓ શહેરી વિકાસ અંગેની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા હતા.

દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં હવાના પ્રદૂષણની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સમિતિની બેઠક મળી હતી. આ સમિતિ સમક્ષ સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય દ્યણા વિભાગોના અધિકારીઓએ પણ પોતાની વાત સામે રાખી હતી. આ બેઠકના એજન્ડામાં કહેવામાં આવ્યું છે કે સંસદિય સમિતિ દિલ્હી અને એનસીઆરમાં હવાના પ્રદૂષણને રોકવા માટે લેવાતા પગલાઓ અંગે વિચાર વિમર્શ કરશે અને સમસ્યાના કાયમી નિરાકરણ પર જ મુખ્યત્વે ભાર મૂકવામાં આવશે.

સરકારના અધિકારીઓએ વ્યકત કરી ચિંતા

સમિતિ સામે કેન્દ્ર સરકારના અધિકારીઓએ હવા પ્રદૂષણને કારણે કોવિડ -૧૯ ના ઝડપથી ફેલાવાની શકયતા અંગે ચિંતા વ્યકત કરી હતી. આરોગ્ય મંત્રાલયે સમિતિને જણાવ્યું હતું કે, 'વધુ વાયુ પ્રદૂષણ ઉધરસ અને છીંક આવવી વધી શકે છે. જેના કારણે કોવિડ-૧૯ વધુ ઝડપથી ફેલાઈ શકે છે.'

મંત્રાલયે 'લેન્સેટ' એક રિસર્ચને ટાંકીને જણાવ્યું હતું કે, હવામાં પ્રદૂષણને કારણે ભારતમાં ૧.૭ વર્ષ જેટલી સરેરાશ ઉંમરમાં ઘટાડો જોવા મળ્યો છે. પર્યાવરણ મંત્રાલયે દિલ્હીમાં છેલ્લા ચાર વર્ષથી હવા ગુણવત્તાના ડેટા સમિતિ સાથે શેર કર્યા હતા. મંત્રાલયે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન હવાની ગુણવત્તા માત્ર ચાર દિવસ જ સારી રહી હતી અને ૩૧૯ દિવસ ખૂબ નબળી રહી હતી. દિલ્હીની હવાની ગુણવત્તા ૭૮ દિવસ સુધી અતિખરાબ રહી હતી.

બીજી તરફ, પરાલી સળગાવવાના મામલામાં વધારો અને હવાની ઝડપ ઓછી હોવાના કારણે રાષ્ટ્રીય પાટનગરમાં ગુરુવારે સવારે પ્રદૂષણની સ્થિતિ ગત એક વર્ષમાં સૌથી ખરાબ સ્તર પર પહોંચી છે. પરાલી સળગાવવાથી પ્રદૂષણમાં ૪૨% સુધીનો વધારો જોવા મળ્યો છે.

તો, શુક્રવારે સવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખૂબ નબળી' કેટેગરીમાં રહી હતી. સવારે ૧૦ વાગ્યે દિલ્હીની AQI ૩૯૭ રહ્યું હતું. ગુરુવારે ૨૪ કલાકમાં સરેરાશ ૪૫૦ નું AQI નોંધાયું હતું. જે ૧૫ નવેમ્બર (૪૫૮) પછીનો સૌથી વધુ AQI છે. પાડોશી શહેરો ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને નોઈડામાં પણ હવામાનની ગુણવત્તા 'ખૂબ ખરાબ' થી 'ગંભીર'નોંધાઈ હતી.

(10:42 am IST)