Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પોર્નોગ્રાફી કેસ

રાજકુંદ્રાને હાઇકોર્ટે આપ્યો ઝટકોઃ ધરપકડને પડકારતી અરજી ફગાવી

મુંબઇ તા. ૭ : મુંબઈ હાઈકોર્ટે ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને રિયાન થોર્પની અરજીઓ ફગાવી દીધી છે. આ અરજીમાં રાજે જામીન અંગે મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો અને તાત્કાલિક મુકત કરવાની માંગ કરી હતી.

મુંબઈ હાઈકોર્ટે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડને પડકારતી અરજી પર ૨ ઓગસ્ટના રોજ આદેશ અનામત રાખ્યો હતો. આજે જસ્ટિસ એએસ ગડકરીએ આ અંગે ચુકાદો આપ્યો છે. જસ્ટિસ એએસ ગડકરીએ કહ્યું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા કસ્ટોડિયલ રિમાન્ડ કાયદા અનુસાર છે આમાં તેમને કોઈ દખલ કરવાની જરૂર નથી.

૨૯ જુલાઈએ કોર્ટે રાજ કુંદ્રા અને રિયાન થોર્પના જામીન પર બંનેના વકીલોની દલીલો સાંભળી હતી.રાજ કુંદ્રાના વકીલે કહ્યું હતું કે તેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી, જયારે પોલીસે કહ્યું કે રાજ દ્વારા CRPC ની કલમ ૪૧ (A) પર સહી કરવાનો ઇનકાર કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી રેકેટ કેસના સંબંધમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ૧૯ જુલાઈના રોજ મોડી રાત્રે ધરપકડ કરી હતી. અગાઉ તેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે ૨૦ જુલાઈએ રાજના આઈટી સાથીદાર રિયાન થોર્પની પણ ધરપકડ કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટીએ તેના પતિ માટે ઘણી વખત જામીનની અપીલ કરી છે, પરંતુ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ કેસ સાથે જોડાયેલા શર્લિન ચોપરા અને ગેહના વશિષ્ઠની પણ પૂછપરછ કરવામાં આવી છે.

(3:02 pm IST)