Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાહુલ ગાંધીની રેપ પીડિતાના પરિવારની ઓળખ છતી કરતું ટ્વિટ હટાવતું ટ્વિટર

નવી દિલ્હી, તા. ૭ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કાર્યવાહી કરતા ટ્વિટરે તેમની વિવાદાસ્પદ ટ્વિટને હટાવી છે. ટ્વિટમાં રાહુલે રેપ પીડિતાના પરિવારની ઓળખ છતી કરી હતી.તેને લઈને ટ્વિટરને ફરિયાદ કરવામાં આવી અને આ પછી કંપનીએ કોંગ્રેસ નેતાની ટ્વિટને હટાવી છે. 

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કાર્યવાહી કરી છે અને તેમની વિવાદાસ્પદ ટ્વિટને હટાવી છે. દિલ્હીમાં સગીર યુવતી સાથે રેપ કર્યા બાદ તેની હત્યાની ઘટનાને લઈને રાહુલ ગાંધીએ પરિવારની મુલાકાત લીધી હતી. આ પછી એક ફોટો ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો જેમાં પીડિતાના માતા પિતા જોવા મળી રહ્યા હતા. આને લઈને ચર્ચાએ જોર પકડ્યું.

રેપ પીડિતાના પરિવારની ઓળખ છતી કરવાને લઈને આખા દેશમાં રાહુલ ગાંધીની આલોચના થઈ રહી હતી. આ સંબંધમાં રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ટ્વિટરને ફરિયાદ કરવામાં આવી અને સાથે કોંગ્રેસ નેતાની વિરોધમાં કાર્યવાહીની માંગણી પણ કરાઈ. તેના ભાગરૂપે રાહુલ ગાંધીની ટ્વિટને હટાવવામાં આવી છે. 

 આયોગની તરફથી ટ્વિટર ઈન્ડિયાની ફરિયાદ અધિકારીના પક્ષમાં કહેવાયું છે કે કોઈ પણ સગીર પીડિતાના પરિવારની ઓળખ ટ્વિટર પર પોસ્ટ કરવી તે કિશોર ન્યાય કાયદા ૨૦૧૫ની કલમ ૭૪ અને બાળ યૌન અપરાધ રોકથામ કાયદો ૨૩નું ઉલ્લંઘન છે.આ ફરિયાદના આધારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે રાહુલ ગાંધીની ટ્વિટને હટાવી છે.

કોંગ્રેસ નેતા વિવાદાસ્પદ ફોટોની સાથે ટ્વિટ કરીને કહી રહ્યા હતા કે માતા પિતાના આંસુ ફકત એક જ વાત કહી રહ્યા છે કે તેમની દીકરી દેશની દીકરી ન્યાયની હકદાર છે. ન્યાયના રસ્તા પર હું તેમની સાથે છું. ઉલ્લેખનીય છે કે દિલ્હીના કેન્ટમાં ૯ વર્ષની બાળકી પર સંદિગ્ધ પરિસ્થિતિમાં રેપ બાદ મોત થયું. માતા પિતાએ આરોપ લગાવ્યો કે બાળકીનું યૌન શોષણ કરાયું છે. શ્મશાન ઘાટના પૂજારીએ તેમની સહમતિ વિના જ બાળકીના અંતિમ સંસ્કાર કર્યા છે. પોલીસે પૂજારી સહિત ૪ લોકોની ધરપકડ કરી છે. રાહુલ ગાંધીએ ૪ ઓગસ્ટે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.

(1:04 pm IST)