Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ચિંતાના વાદળો ઘેરાયા

નાસિકમાં ડેલ્ટા વેરિઅન્ટે વધારી ચિંતા : નોંધાયા ૩૦ કેસ

નાસિક તા. ૭ : દેશના કેટલાક ભાગોમાં કોરોના વાયરસના કેસ અત્યારે અટકતા હોય તેવું લાગતું નથી. મહારાષ્ટ્રમાંથી ડેલ્ટા વેરિએન્ટના કેસ સતત નોંધાઈ રહ્યા છે. નાસિકમાં, શુક્રવારે ૩૦ લોકો ડેલ્ટા વેરિઅન્ટથી ચેપગ્રસ્ત જોવા મળ્યા હતા. તેમાંથી ૨૮ દર્દીઓ ગ્રામીણ વિસ્તારોના છે.નાસિક ડિસ્ટ્રિકટ હોસ્પિટલના સર્જન ડો.કિશોર શ્રીનિવાસને જણાવ્યું હતું કે અમે તેમના સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં જીનોમ સિકવન્સીંગ માટે મોકલ્યા હતા અને આ લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા.

તે જ સમયે, મહારાષ્ટ્રનો ભંડારા જિલ્લો કોરોના વાયરસ ચેપથી સંપૂર્ણપણે મુકત થઈ ગયો છે. જિલ્લામાં કોવિડ -૧૯ ના એકમાત્ર દર્દીને શુક્રવારે સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ -૧૯ નો કોઈ નવો દર્દી સામે આવ્યો નથી.

ભંડારા જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ કદમે જણાવ્યું હતું કે વહીવટીતંત્રના સામૂહિક પ્રયાસો અને લોકોના સહયોગથી જિલ્લાને કોરોના વાયરસ મુકત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ૧૩૫ દેશોમાં ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિએન્ટ્સ અત્યાર સુધી મળી આવ્યા છે. ઉપરાંત, WHO એ કહ્યું હતું કે આગામી સપ્તાહ સુધીમાં કોરોનાના ૨૦ કરોડ કેસ વિશ્વ સુધી પહોંચી શકે છે.

કોરોના સંબંધિત જારી કરાયેલા નિવેદનમાં WHO એ કહ્યું કે વિશ્વભરના ૧૩૨ દેશોમાં બીટા વેરિએન્ટના કેસ મળી આવ્યા છે, જયારે ૮૧ દેશોમાં ગામા વેરિએન્ટના કેસ જોવા મળ્યા છે. ડબ્લ્યુએચઓ અનુસાર, ૧૮૨ દેશોમાં કોરોનાના આલ્ફા વેરિએન્ટના કેસ મળી આવ્યા છે. જયારે ડેલ્ટા વેરિએન્ટના કેસ ૧૩૫ દેશોમાં જોવા મળ્યા છે. તે સૌપ્રથમ ભારતમાં મળી આવ્યો હતો.

(11:38 am IST)